Western Times News

Gujarati News

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે જીવન કેમ ટૂંકાવવાનો નિર્ણય લીધો?

પ્રતિકાત્મક

બીજા બનાવમાં પુત્રને ઝેર પીવડાવી માતાએ પણ ઝેર પીધું

(એજન્સી)સુરત, સુરત શહેરમાં  બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. સવારે સુરતના લસકણા વિસ્તારમાં ૩૪ વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી.

જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી (ઉં.વ. ૪૧) મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશભાઈ સોલંકીએ પોતાના ૨ વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી (ઉ.વ. ૮) પુત્ર સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે.

ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.

પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પિતાના મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓની પણ તપાસ કરી રહી છે જેથી આપઘાતનું કારણ શોધી શકાય. આ કમકમાટીભરી ઘટનાએ પરિવાર અને સમગ્ર શિક્ષક સમાજને આઘાતમાં મૂકી દીધો છે.
સુરતના લસકણા વિસ્તારમાં એક સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે.

આજે (૩૧ જુલાઇ)એ ૩૪ વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી. થોડા સમય બાદ પરિવારને આ વિશે જાણ થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને માતા-પુત્રને બેભાન અવસ્થામાં જોઈ તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તબીબોએ માતાને સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું અને બાળક તે જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, મહિલાને મૃતક મહિલાના પહેલાં લગ્ન ૨૦૨૦માં થયા હતા. જ્યાં તેના પતિનું અકસ્માતે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ તેના બીજા લગ્ન કરાવવામાં આવ્યા જ્યાં તેને સાત વર્ષનો દીકરો છે. પરંતુ, આ લગ્ન પણ સફળ ન થતા તે પોતાના પિયર આવી ગઈ હતી અને હાલ પિયરમાં પિતા સાથે રહેતી હતી. આ દરમિયાન દીકરાને તાવ આવતો હોવાથી દવાખાને લઈ જવાનું કહીને બંને માતા-પુત્ર ઘરેથી નીકળ્યા હતા.

જોકે, સાંજ પડતા બંને પરત ન ફરતા પરિજનોએ શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન મહિલા અને તેનો દીકરો પાસોદરા રોડ ખાતે મામા દેવના મંદિર પાસે મળી આવ્યા. જ્યાં મહિલા બેભાન અવસ્થામાં મળી હતી અને દીકરો તેની બાજુમાં બેઠો હતો. મહિલાની આ સ્થિતિ જોઇ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી. જોકે, આ દરમિયાન દીકરાને પણ ઉલટી થવા લાગતા તેને પણ હોસ્પિટલ લઈ જવાયો.

હોસ્પિટલમાં બાળકે જણાવ્યું કે, તેની માતાએ તેને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તબીબોએ માતાને સિવિલ લઈ જવા કહ્યું. જોકે, સિવિલમાં મહિલાનું સોમવારે મોત નિપજ્યું હતું. જોકે, મહિલાએ આ પગલું કેમ લીધું તે વિશેનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી.

હાલ, આ મામલે લસકાણા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસ બાળક અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. આ સિવાય ઘરે તેમજ અન્ય કોઈ જગ્યાએ સ્યુસાઇડ નોટ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.