અહૌ આશ્ચર્યમ્.. અમદાવાદ મ્યુનિ. કમિશનરે કરેલા બદલી હુકમ પર બ્રેક મારતા ડેપ્યુટી કમિશનર

પબ્લીસીટી વિભાગના આસિ. મેનેજરની મનમાનીને પ્રોત્સાહિત કરતા ડેપ્યુટી કમિશનર
ઉચ્ચ અધિકારીઓના માનીતા કર્મચારીઓને બંધ કવરમાં તેમની મનપસંદ જગ્યાએ બદલી કરી આપવામાં આવે છે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં બદલી પ્રક્રિયા હંમેશા વિવાદમાં રહી છે ઉચ્ચ અધિકારીઓના માનીતા કર્મચારીઓને બંધ કવરમાં તેમની મનપસંદ જગ્યાએ બદલી કરી આપવામાં આવે છે તેમજ કેટલાક કર્મચારીઓ વર્ષોથી એક જ વિભાગમાં એક જ હોદ્દા પર ફરજ બજાવતા હોવા છતાં તેમની બદલી કરવામાં આવતી નથી.
કેટલાક કિસ્સામાં માનીતા કર્મચારીઓની બદલી અન્ય વિભાગમાં કરવામાં આવે તો પણ તેમને બદલીના સ્થળે હાજર કરવામાં આવતા નથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મ્યુનિ. કમિશનરે કરેલી બદલીને ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે અભરાઈએ મુકી કર્મચારીને હાજર થવા દીધો નથી.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસ દ્વારા ૭ મે ના રોજ એક સાથે ૬૪ હેડ કલાર્ક કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી આ બદલી મ્યુનિ. કમિશનરની સહીથી કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનરની સહી થયા બાદ જીડીએસટી જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પબ્લીસીટી વિભાગમાં ફરજ બજાવતા અંકિત શાહ નામના હેડ કલાર્કની પણ બદલી સેન્ટ્રલ ઓફિસમાં કરવામાં આવી હતી
પરંતુ પબ્લીસીટી વિભાગના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગભાઈ પટેલ અગમ્ય કારણોસર અંકિત શાહની બદલી કરવા તૈયાર ન હતાં તેથી તેમણે અંકિત શાહને સેન્ટ્રલ ઓફિસમાં હાજર થવા દીધા ન હતાં તથા તેમના સ્થાને અન્ય એક કર્મચારીને હાજર કર્યાં છે
જયારે કમિશનરના જીડીએસટીટી જેની સેન્ટ્રલ ઓફિસમાં બદલી થઈ હતી તે અંકિત શાહ હજી પણ પબ્લીસીટી વિભાગમાં જ ફરજ બજાવી રહયા છે. નોંધનીય બાબત એ છે કે આ અગાઉ પણ અંકિત શાહની બદલી વિજીલન્સ વિભાગમાં કરવામાં આવી હતી તેમ છતાં તેઓ પબ્લીસીટીમાં ફરજ બજાવતા હતાં.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે પબ્લીસીટી વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર જયેશ ઉપાધ્યાયનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ચિરાગભાઈ પટેલના કહેવાથી અંકિત શાહની બદલી રોકવા સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનરને તેમણે પત્ર લખ્યો હતો. સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓ આ બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
જયારે સેન્ટ્રલ ઓફિસના અધિકારી પથિકભાઈ શાહનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયનો પત્ર હોવાનું જણાવ્યું હતું. જયારે પબ્લીસીટી વિભાગના આસિ. મેનેજર ચિરાગ પટેલનો સંપર્ક કરતા તેમણે ગોળ ગોળ વાત કરી હતી પરંતુ કોઈ ચોકકસ જવાબ આપ્યો ન હતો તેમણે એટલું જ જણાવ્યું હતું કે આ વ્યક્તિ તેમના કામની છે.
તો અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું કોર્પોરેશનના અન્ય હેડ કલાર્ક ચિરાગ પટેલની ડીમાન્ડ મુજબની લાયકાત ધરાવતા નથી ? કે પછી ચિરાગ પટેલના કેટલાક વણઉકલ્યા કિસ્સા બહાર આવી જવાની તેમને ભીતી છે અથવા તો તેમની અંગત કહી શકાય તેવી ‘વહીવટી’ કામગીરી માત્ર અંકિત શાહ જ કરી રહયા છે કે શુ ?
આ ઉપરાંત મ્યુનિ. કમિશનર તરફથી એક વખત બદલીનો હુકમ થઈ જાય તેને રદ કરવાની કે રિવર્સ કરવાની સત્તા માત્ર મ્યુનિ. કમિશનર પાસે જ છે તે બાબત જાણતા હોવા છતાં ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયે તેમના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગભાઈ પટેલના કહેવાથી બદલી રોકાવવા શા માટે પત્ર લખ્યો છે. શું જયેશ ઉપાધ્યાય સ્વયંમને સુપર કમિશનર માની રહયા છે કે કેમ ? તે બાબત ચર્ચાનો વિષય બની છે.