એમપાવરના પ્રોજેક્ટ મન અને CISFએ સાથે મળીને 75,000થી વધુ કર્મચારીઓને માનસિક સ્વાસ્થ્ય સહાય પૂરી પાડી

મુંબઈ, આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટ (એ.બી.ઈ.ટી.)ના સ્થાપક અને ચેરપર્સન, શ્રીમતી નીરજા બિરલા અને સીઆઈએસએફના ડીજી શ્રી આર.એસ. ભટ્ટી, આઈપીએસ એ સંયુક્ત રીતે આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટની પહેલ એમપાવર દ્વારા સંચાલિત મેન્ટલ હેલ્થ માટેની પહેલ પ્રોજેક્ટ મનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ નવેમ્બર 2024માં સીઆઈએસએફ અને એ.બી.ઈ.ટી. વચ્ચે કરવામાં આવેલા કરાર હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે.
એમપાવરના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની ક્વોલિફાઈડ ટીમે જાગૃતિ લાવીને, કાઉન્સેલિંગ, ક્લિનિકલ હસ્તક્ષેપ અને તાલીમ આપીને સીઆઈએસએફ કર્મચારીઓમાં જાગૃતિ લાવવામાં મદદ કરી છે.
પ્રોજેક્ટ મન અત્યાર સુધી સીઆઈએસએફના 75,000 કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ કરવામાં સક્ષમ રહ્યું છે. એમપાવરે 8,506 સીઆઈએસએફ અધિકારીઓ અને પેટા-અધિકારીઓને ઓછા જોખમવાળા માનસિક સ્વાસ્થ્યના કેસની ઓળખ અને સંચાલન કરવા તેમજ ગંભીર કેસોને વ્યાવસાયિકો સુધી લઈ જવા માટેની તાલીમ પણ આપી છે. આ બે-સ્તરીય માળખાએ પાયાના સ્તરે મનોવૈજ્ઞાનિક સહાયને વધુ સુલભ બનાવી છે.
IGI એરપોર્ટ, સંસદ, દિલ્હી મેટ્રો જેવા અતિસંવેદનશીલ એકમોએ સંભવિત સમસ્યાઓના કિસ્સામાં વહેલી તકે ઓળખ માટે 21,000 કર્મચારીઓનું સાયકોમેટ્રિક મૂલ્યાંકન કર્યું છે. આ પહેલ હતાશા, વૈવાહિક વિખવાદ, નાણાકીય તણાવ સહિતના કિસ્સામાં કાઉન્સેલિંગ અને હસ્તક્ષેપમાં પરિણમી છે.
ઉલ્લેખનીય છે કે 2024 અને 2025 દરમિયાન સીઆઈએસએફમાં આત્મહત્યાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો થયો છે, જે આ પહેલની અસરને દર્શાવે છે.
પ્રોજેક્ટ મનની સફળતા અને અસરને ધ્યાનમાં લેતા, સીઆઈએસએફના ડીજી અને શ્રીમતી નીરજા બિરલાએ સંયુક્ત રીતે આ પહેલ માટે પોતાનું સમર્થન યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. આ પહેલના મહત્વ પર પ્રકાશ પાડતા સીઆઈએસએફના ડીજીએ જણાવ્યું હતું કે, “માનસિક સ્વાસ્થ્ય અમારા કર્મચારીઓ માટે શારીરિક ફિટનેસ જેટલું જ મિશન-ક્રિટીકલ છે. આ પહેલ આપણી આંતરિક સહાય વ્યવસ્થાઓને મજબૂત બનાવે છે અને ખાતરી કરે છે કે આપણા કર્મચારીઓ ભાવનાત્મક રીતે પ્રતિરોધક, કેન્દ્રિત અને કામગીરી માટે તૈયાર રહે”.
એમપાવર, એ.બી.ઈ.ટી.ના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીરજા બિરલાએ જણાવ્યું હતું કે, “સીઆઈએસએફ સાથેની અમારી લાંબા ગાળાની ભાગીદારી એ વાતનો પુરાવો છે કે જ્યારે માનસિક સ્વાસ્થ્યને સંસ્થાગત સ્વરૂપ આપવામાં આવે ત્યારે શું પ્રાપ્ત કરી શકાય છે.
છેલ્લા ત્રણ વર્ષોમાં, પ્રોજેક્ટ મનના માધ્યમથી દેશભરમાં સીઆઈએસએફ એકમોમાં કાઉન્સેલિંગ, સાયકોમેટ્રિક સ્ક્રીનિંગ, સમકક્ષો સાથેના સંબંધ અને 24×7 હેલ્પલાઇન દ્વારા 75,000થી વધુ કર્મચારીઓને મદદ પૂરી પાડવામાં આવી છે. અમે વેલનેસ પ્રોટોકોલ અને સંભાળને દૈનિક પ્રણાલીમાં એકીકૃત કરવા માટેની સીઆઈએસએફની સર્વાંગી સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરીએ છીએ, જેના સકારાત્મક પરિણામ તરીકે આત્મહત્યાના બનાવોમાં 40%નો ઘટાડો થાય છે.”