બે અઠવાડિયા લાગુ નહીં થાય ટેરીફ – ભારતીય ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને મોટી રાહત મળી

આ રાહત એટલા માટે મળી છે કારણ કે એક મહત્ત્વના સેક્શન (કલમ ૨૩૨)ની સમીક્ષા હજુ બાકી છે
એપલે ભારતમાં ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ જેવા કોન્ટેક્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સ દ્વારા સ્થાનિક ઉત્પાદનોને ઝડપથી વધાર્યા છે. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ભારતથી ૫ અરબ ડોલરથી વધુ આઈફોન અમેરિકા મોકલાયા. જે ભારતના કુલ સ્માર્ટફોન નિકાસના અંદાજિત ૭૦ ટકા છે.
નવી દિલ્હી, ભારતની ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને અમેરિકા તરફથી લગાવવામાં આવનારા ટેરિફથી હાલ બે અઠવાડિયાની રાહત મળી છે. આ માહિતી સરકારી અને ઉદ્યોગથી જોડાયેલા સૂત્રોએ આપી છે. આ રાહત એટલા માટે મળી છે કારણ કે એક મહત્ત્વના સેક્શન (કલમ ૨૩૨)ની સમીક્ષા હજુ બાકી છે, જે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વાતચીતનો ભાગ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૧ ઓગસ્ટથી લાગુ થનારા ૨૫ ટકા ટેરિફથી ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને બે અઠવાડિયાની રાહત મળી શકે છે. સરકારી સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર, સેક્શન ૨૩૨ની સમીક્ષા હજુ ચાલી રહી છે. એપ્રિલમાં અમેરિકાએ જ્યારે ૧૦ ટકા બેઝલાઇન ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી ત્યારે સ્માર્ટફોન, લેપટોપ અને સેમીકન્ડક્ટર્સને ટેરિફથી છૂટ અપાઈ હતી. આ છૂટ સેક્શન ૨૩૨ હેઠળ અપાઈ હતી. આ સેક્શન હજુ પણ ચાલી રહ્યું છે.
સ્માર્ટફોન અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ટેક્સ લગાવવાનો નિર્ણય હજુ સમીક્ષા હેઠળ છે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત ચાલી રહી છે. તેવામાં ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ, ખાસ કરીને એપલ, સેમસંગ અને મોટોરોલા જેવી કંપનીઓ દ્વારા ભારતથી અમેરિકા મોકલાતા ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ બે અઠવાડિયા માટે લાગુ નહીં થાય.
બુધવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, ૧ ઓગસ્ટથી ભારતના તમામ ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લાગશે. સાથે જ રશિયાની સાથે ભારતના રક્ષા અને ઉર્જા સંબંધોને લઈને પણ એક અલગ પેનલ્ટીના સંકેત આપવામાં આવ્યા છે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્્યું કે નવા લગાવાયેલા ૨૫ ટકા ટેરિફ, પહેલાથી લાગુ ૧૦ ટકા ટેરિફ સિવાયના હશે કે પછી તેમાં તેનો સમાવશે કરાઈ ચૂક્્યો છે. જો કે, ભારત સરકારના અધિકારીઓએ કહ્યું કે, સ્માર્ટફોન અને લેપટોપ જેવા વધુ કિંમતના ઇલેક્ટ્રોનિક્સને ટેરિફથી બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, સમીક્ષા પ્રક્રિયા ચાલી રહી છે અને તે બે અઠવાડિયામાં પૂર્ણ થવાની આશા છે. ઉદ્યોગને હજુ આશા છે કે સ્માર્ટફોન અને લેપટોપને છૂટ મળતી રહેશે. ટ્રમ્પનો આ નિર્ણય સીધી રીતે ભારતની તે મહત્ત્વાકાંક્ષાને પડકાર આપે છે, જેમાં તે અમેરિકા માટે આઇફોન નિકાસનું એક મુખ્ય હબ બનાવવા ઇચ્છે છે.