Western Times News

Gujarati News

BJPના સાંસદે જ નિતીન ગડકરીને SoU તરફ જતાં રોડ રસ્તા બાબતે ફરીયાદ કરી

સ્ટેચ્યુ આવતા પર્યટકોને જર્જરીત રોડને કારણે હાલાકી ભોગવવી પડે છે- મનસુખ વસાવા-ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જર્જરિત રોડ અને બ્રિજના મામલે નીતિન ગડકરી સાથે કરી મુલાકાત

રાજપીપળા, નર્મદા અને ભરૂચ જિલ્લાના જર્જરિત વિવિધ રોડ રસ્તા અને બ્રિજ સંદર્ભે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી વહેલી તકે સમારકામ કરવા રજૂઆત કરી હતી.

મનસુખ વસાવાએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીની દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી જણાવ્યું હતું કે, ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદ જંબુસર નજીક એન.એચ ૬૪ પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ પર નાહિયાર ખાડી બ્રિજ, તાણછા ખાડી બ્રિજ અને ભુખી ખાડી બ્રિજ પૂર્ણ રીતે ડેમેજ છે.

આ જ પ્રકારે એનએચ ૭પ૩ બી નેત્રંગથી ડેડિયાપાડા, સાગબારા મહારાષ્ટ્ર બોર્ડરની વચ્ચે મોટી નદી પર ધાનીખુટ બેડા કંપની પાસે આવેલ ૬૦ વર્ષ જૂનો બ્રિજ પણ જર્જરિત છે. ડેડિયાપાડાના પ્રવેશ દ્વાર પર આવેલ નાનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. એનએચ પ૬ માંડવી, નેત્રંગ, મોવી સુધી તથા રાજપીપળા રોડમાં ચાસવાડ, મોઝા, કોચવાર, કુંડ તથા કાકુરીપાડા સ્થિત નાના મોટા બ્રિજ જર્જરિત થઈ બંધ પડેલ છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ ૬૪ આમોદમાં ૩૦૦-૪૦૦ મીટર એરિયાનો રોડ ભારે ક્ષતિગ્રસ્ત છે તથા રાષ્ટ્રીય રાજમાર્ગ પ૬(બી) નેત્રંગથી મોવી સુધીનો લગભગ ૧પ કિ.મી.નો માર્ગ પૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત છે. મનસુખ વસાવાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ઉપરોકત તમામ નાના મોટા બ્રિજ અને રાજમાર્ગથી સંપર્ક તૂટી જવાના કારણે મોટા વાહનોનું આવાગમન બંધ છે. જેના લીધે ધંધા અને રોજગાર તથા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ખૂબ મોટી અસર પડે છે. મહારાષ્ટ્રથી આવતા લોકોને તથા પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પર્યટકોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.