Western Times News

Gujarati News

બાળકને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી બને તેવો ઉમદા નાગરિક બનાવવાની જવાબદારી એક શિક્ષકની છે

માનવ નિર્માણનું કાર્ય સૌથી અગત્યનું છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર ટાઉન હોલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો પાંચમો દીક્ષાંત સમારોહ યોજાયો-દીક્ષાંત સમારોહમાં ૩ ગોલ્ડ મેડલ સહિત કુલ ૮૪ વિદ્યાર્થીઓને પદવી અપાઈ

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાચીન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને ભાવિ પેઢીના નિર્માણ માટે વિશ્વની પ્રથમ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ નવપરિણીત યુગલોને પ્રાચીન ઋષિઓએ આપેલા સંસ્કારોનું જ્ઞાન આપવું અને તેના દ્વારા આપણા પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભાવિ બાળકો સંસ્કારી અને ગુણવાન બને.

માતાએ કોઈપણ બાળકના જીવનમાં તેની પ્રથમ શિક્ષક છે તેમ જણાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, બાળકના જન્મ બાદ તેના વિકાસની મહત્વની જવાબદારી તેની માતાની હોય છે. જીવનના પ્રથમ તબક્કામાં માતાના વ્યવહાર, રોજિંદા જીવન અને તેની ટેવોની બાળકના માનસ પટલ પર ખૂબ અસર પડે છે. માતાએ બાળકના શરૂઆતના દિવસોમાં તેના ઉછેરમાં કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

તેમણે કહ્યું કે, માતાની સાથે પિતાની ભૂમિકા પણ બાળકના ઉછેરમાં એટલી જ મહત્વની છે. બાળકના માતા પિતાએ રોજિંદી જિંદગીમાં મોબાઈલ જેવા આજના દૂષણોથી દૂર રહીને પુસ્તકો, યોગ, શારિરીક રમતો અને પારિવારિક સબંધો જેવી બાબતો બાળકને શીખવવી જોઈએ.

બાળકના જીવનનો આગળનો તબક્કો શિક્ષણ છે તેમ જણાવતાં તેમણે કહ્યું કે, બાળકને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી બને તેવો ઉમદા નાગરિક બનાવવાની જવાબદારી એક શિક્ષકની છે. શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. બાળક પોતાના ઘર પછી દિવસનો સૌથી વધુ સમય શાળામાં રહેતો હોય છે. એક શિક્ષકની જવાબદારી બને છે કે તેમના બાળક રૂપી ઘડાને યોગ્ય ઘાટ આપી સુંદર ઘડો બનાવવો. જેનાથી તે જીવનમાં આવનારી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સરળતાથી ઉકેલ લાવી જીવનમાં સફળ બની શકે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિચારથી શરૂ થયેલી આ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની કામગીરીને બિરદાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, બાળકને ઉત્કૃષ્ઠ શિક્ષણ આપી તેમને ભવિષ્યના શ્રેષ્ઠ નાગરીક બનાવવાની ઉત્તમ કામગીરી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી કરી રહી છે.  આ યુનિવર્સિટી વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આજના બાળકોના નિર્માણની ખુબ જ સુંદર કામગીરી કરી રહી છે. આવનારા સમયમાં આ યુનિવર્સિટી ઉત્તમ કામગીરી કરે અને દેશને એવા શ્રેષ્ઠ બાળકો આપે કે જે સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી સાબિત થઈ શકે તેવી આશા રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સિગમંડ ફ્રાઇડના ચિંતનનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, તેમણે તો બાળકના જન્મ બાદની વાત કરી છે, જ્યારે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં તો જ્યારે બાળકના માતા-પિતા બાળક માટે આહવાન કરે ત્યારથી બાળકમાં બાળક સંસ્કારી થાય તેનું જ્ઞાન રહેલું છે.

રાજ્યપાલશ્રીએ સૌ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને દેશ નિર્માણના કાર્યમાં પૂર્ણ સમર્પણ ભાવથી સહભાગી થવા અપીલ કરી હતી.

ગાંધીનગર ટાઉન હોલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો પાંચમો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં ૩ ગોલ્ડ મેડલ સહિત કુલ ૮૪ વિધાર્થીઓને પદવી અપાઈ હતી, જેમાં ૫૮ પોસ્ટ ગ્રેજ્યુએશનના વિધાર્થીઓને પદવી અને ૨૬ શોધાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના સમયના પોતાના સંસ્મરણોને યાદ કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારબીજથી શરૂ થયેલી આ યુનિવર્સિટી આજે એક વટવૃક્ષ બની છે. ભવિષ્યમાં આ યુનિવર્સિટી એક શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં માત્ર રાષ્ટ્રીય સ્તરે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

અધિક મુખ્ય સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સમાજને વિકસિત બનાવવાના પાયામાં એક શ્રેષ્ઠ બાળક રહેલું છે. જે સમાજમાં બાળકને જન્મથી જ જીવનના વિવિધ તબક્કાઓ માટે તૈયાર કરવામાં આવે તે સમાજ ભવિષ્યમાં વિકસિત બને છે.

આ યુનિવર્સિટીના શિક્ષકોએ બાળકોને પ્રેમ, સંવેદનશીલતા, કરુણાની સાથે શિક્ષણ આપવાનું છે. બાળકના જીવનના પ્રથમ એક હજાર દિવસો ખૂબ જ મહત્વના હોય છે. બાળક એ દિવસોમાં જે શીખે છે તે તેના ભવિષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી બાળકને આ દિવસોમાં રમતની સાથે ઉત્તમ શિક્ષણ આપે છે જેથી બાળકો ભવિષ્યમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોષીએ પદવીદાન સમારોહમાં સહભાગી થનાર સૌને આવકાર્યા હતાં. આ પ્રસંગે તેમણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની બહુમુખી પ્રવૃત્તિઓ વિશે પણ વિગતવાર માહિતી આપી હતી.

આ સમારોહમાં મહાનુભાવોના હસ્તે ૫ પુસ્તકો, ૨ ઈ બુક અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના વર્ષ ૨૦૨૪–૨૫ના વાર્ષિક એહવાલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ભાવનગરની દક્ષિણામૂર્તિ વિદ્યાભવન વચ્ચે બાળકોના સર્વાંગી વિકાસ વિશે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના રજીસ્ટાર શ્રી નિલેશ પંડ્યા, યુનિવર્સિટીની વિવિધ કાઉન્સિલ્સના મેમ્બર્સ સહિતના મહાનુભાવો, વિધાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.