બિહારમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા એક મહિનો અપાશેઃ સીઈસી

નવી દિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનરે ગુરુવારે જણાવ્યું કે, ૧લી ઓગસ્ટે પ્રકાશિત થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજકીય પક્ષો કે મતદારોને નામ ઉમેરવું કે કમી કરાવવું હશે તો તેમને એક મહિનાનો સમય અપાશે. બિહારમાં નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હાલમાં મતદાર યાદી સુધારણા સમીક્ષા (એસઆઈઆર) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ૭.૨૪ કરોડ મતદારો સાથેની ડ્રાફ્ટ યાદી તૈયાર કરાઈ છે. બિહારમાં કુલ ૭.૯૩ કરોડ નોંધાયેલા મતદારો છે જે પૈકી ૬૫ લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.
શુક્રવારે આ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે તેમ મતદારોને સંબોધીને એક નિવેદનમાં સીઈસીએ જણાવ્યું હતું. એક માસ સુધી સુધારા વધારા કરાયા બાદ ૩૦ સપ્ટેમ્બરે અંતિમ યાદી જાહેર કરાશે.
મુખ્ય ચૂંટણી કમિશનરના મતે જિલ્લા ચૂંટણી અધિકારીઓ (ડીઈઓ) બિહારના તમામ ૩૮ જિલ્લામાં આવેલા બધા માન્ય રાજકીય પક્ષોને ડ્રાફ્ટ યાદીની ફિઝિકલ ઉપરાંત ડિજિટલ કોપી આપશે.
૧લી ઓગસ્ટથી લઈને ૧લી સપ્ટેમ્બર સુધીમાં ડ્રાફ્ટ યાદીમાં રાજકીય પક્ષ અથવા જે તે વિધનાસભા બેઠકનો મતદાર કોઈ વાંધા કે દાવા હશે તો તેને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) તથા ૨૪૩ ચૂંટણી નોંધણી અધિકારીઓ (ઈઆરઓ) સમક્ષ રજૂ કરી શકશે તેમ જ્ઞાનેશ કુમારે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે સંસદમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા બિહાર મતદાર યાદી સુધારણા સમીક્ષાને લઈને ભારે વિરોધ તથા દેખાવો કરવામાં આવી રહ્યો છે.
આ પ્રક્રિયામાં યોગ્ય નાગરિક પાસેથી દસ્તાવેજના અભાવે મતદાનનો અધિકાર છીનવાઈ જશે તેવો દાવો વિપક્ષ કરી રહ્યો છે. આ ઉપરાંત શાસક ભાજપ-જેડી(યુ) તેમના લાભ માટે ચૂંટણીલક્ષી બિહારમાં સ્થાનિક ચૂંટણી તંત્ર સાથે ગરબડ કરી શકે છે. બિહાર એસઆઈઆરના મુદ્દે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના ભારે હંગામાને પગલે ગૃહની કાર્યવાહી અનેક વખત ખોરવાઈ હતી.SS1MS