અમરેલીમાં ૩ દિવસમાં ૩ સિંહબાળના મોત નીપજ્યાં

અમરેલી, ગીર જંગલમાં સિંહબાળના મોત મામલે વનમંત્રીએ જણાવ્યું છે કે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ૯ સિંહબાળમાં ભેદી રોગની શંકા જણાતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ પૈકી ત્રણ સિંહબાળનાં મોત થયાં છે. સત્તાવાર જણાવતા વનમંત્રી મુળુ બેરાએ વધુમાં કહ્યું હતુ કે બાકીના સિંહબાળને આઇસોલેશન પર રાખવામાં આવ્યા છે.
વન વિભાગની ટીમને જાણ થઈ હતી કે કેટલાક સિંહબાળ શારીરિક નબળી હાલતમાં છે અને ચાલી પણ શકતા નથી. જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સ્કેનિંગ કરતાં સિંહબાળ ગ્રૂપની હાલત અતિનાજુક જણાઈ હતી. તેઓનું તાત્કાલિક રેસ્ક્યુ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સિંહબાળનાં શંકાસ્પદ રીતે મોત થયાં છે.
રાજય સરકારના વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે જાફરાબાદના કાગવદર ગામની સીમમાં બે દિવસ પહેલાં ત્રણ સિંહબાળનાં મોત થયાં છે, એ ખૂબ જ દુઃખદ છે.
અન્ય ત્રણ સિંહણ તેમજ છ જેટલા સિંહબાળનાં બ્લડ સેમ્પલ અને બાકીની તપાસ માટે આઇસોલેશન કર્યાં છે. જૂનાગઢ કોલેજના વેટરિનરી ડોક્ટરો તપાસ કરી રહ્યા છે અને સિંહબાળનાં મોતનું સાચું કારણ જાણવાની તપાસ ચાલુ છે. સિંહબાળનાં મૃત્યુ થયાં એ બાબતે સરકાર ખૂબ ચિંતિત છે.
હાલની સિઝનમાં સિંહ સહિત અન્ય પ્રાણીઓ કે પશુઓમાં અનેક રોગો આવતા હોય છે. આ સિંહબાળનાં મોત કયાં કારણસર થયાં એ તપાસ બાદ ખ્યાલ આવશે.
પાલિતાણા શેત્રુજી ડિવિઝન ડીસીએફ ધનંજય સાધુએ જણાવ્યું હતું કે પાલિતાણા શેત્રુજી ડિવિઝન હેઠળ જાફરાબાદ રેન્જમાં વન વિભાગની સ્કેનિંગની કામગીરી દરમિયાન સિંહોના ગ્રૂપમાં ત્રણ સિંહબાળ થોડા નબળા અને નાદુરસ્ત જણાતાં એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાથમિક રિપોર્ટના આધારે એનીમિયા અથવા ન્યુમોનિયા હોવાના કારણે મોત થયાં હોઇ શકે છે, જોકે મોતનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે, આખી તપાસ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
ડીસીએફ ધનંજય સાધુએ વધુમાં જણાવ્યું હતું કે માદા સિંહણ બચ્ચાંને જન્મ આપતી હોય ત્યારે એકાદ બચ્ચું નબળું પણ હોય છે. આ બચ્ચાં ધ્યાનમાં આવતાં તાત્કાલિક સારવાર આપી, પરંતુ સારવાર દરમિયાન એમનાં મોત થયાં હતાં.
સાવચેતીના ભાગરૂપે ડિવિઝન ખાતે અન્ય સિંહબાળ અને ૨ સિંહણનું રૂટિન ચેકઅપ માટે રેસ્ક્યૂ-ઓપરેશન કરવામાં આવ્યું હતું. હવે ફરીવાર ફિલ્ડમાં મુક્ત કરાશે.SS1MS