૧૦૮ ઇમરજન્સી : એમ્બ્યુલન્સમાં ૧.૫૨ લાખથી વધુ ‘જીવન’ને આપ્યું નવજીવન

પ્રસૂતિ પીડામાં ૧૦૮ બન્યું ‘સંવેદના’નો સારથી : હજારો માતાઓ અને નવજાતને મળ્યું સુરક્ષિત જીવન
આફતમાં સૌથી પહેલા યાદ આવતી – એક જ કૉલમાં હાજર થતી ગુજરાતની લાઇફલાઇન સમી ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા
૧૦૮ની સાયરન એ માત્ર સાયરન જ નહિ પણ કોઈના દિલની ધડકન છે
Ahmedabad, ગુજરાતની જીવાદોરી સમાન ૧૦૮ ઇમરજન્સી સેવા જે રાજ્યના લાખો નાગરિકો માટે સંકટ સમયે જીવનરેખા સમાન છે તેણે રાજ્યના આરોગ્ય ક્ષેત્રે એક અદ્ભુત અને અભૂતપૂર્વ “પ્રસૂતિ ક્રાંતિ” સર્જી છે. આ ક્રાંતિના ભાગરૂપે, ૧૦૮ સેવાના પ્રારંભથી અત્યાર સુધીમાં, ૧.૫૨ લાખથી વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માતા અને નવજાત શિશુઓના જીવન બચાવવામાં આવ્યા છે, જે એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે.
આ અંગે વાત કરતા ૧૦૮ જીવીકે ઇએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર(સીઓઓ) શ્રી જશંવત પ્રજાપતિએ કહ્યું કે, ગુજરાતની ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ થી ૩૦ જુલાઇ ૨૦૨૫ સુધીના સમયગાળામાં એટલે કે અંદાજિત ૧૮ વર્ષના સમયગાળામાં કુલ ૧ લાખ ૫૨ હજારથી વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સમાં કરવામાં આવી છે, જેમાં સ્થળ ઉપર ૫૭,૫૭૫ અને એમ્બ્યુલન્સમાં ૯૪,૫૦૩ પ્રસૂતિઓનો સમાવેશ થાય છે. આ આંકડો રાજ્યમાં ઇમરજન્સી તબીબી સેવાઓની પહોંચ અને કાર્યક્ષમતાનો જીવંત પુરાવો છે, જે દર્શાવે છે કે ૧૦૮ સેવા તાત્કાલિક પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવામાં કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ગુજરાત રાજયમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં ૧૦૮ એમ્બ્યુલન્સની ૨૪ કલાક સેવા શરૂ કરાઈ હતી. વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાનાં ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪*૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે.
ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓ માટે ૧૦૮ સેવા એક જીવનરક્ષક સાબિત થઈ છે. પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થાય તે પહેલાં જ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ અનુભવી પેરામેડિકલ સ્ટાફ દ્વારા સલામત પ્રસૂતિ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, સમયસર તબીબી સહાય મળવાથી માતા અને નવજાત શિશુ બંનેના સ્વાસ્થ્ય અને સુરક્ષા સુનિશ્ચિત થાય છે. આનાથી બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર મદદ મળી છે.
૧૦૮ એમ્બ્યુલન્સ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ તે એક ચલિત પ્રસૂતિ રૂમ સમાન છે, જ્યાં તાત્કાલિક જરૂરિયાત મુજબની પ્રાથમિક તબીબી સહાય અને આવશ્યક ઉપકરણો ઉપલબ્ધ હોય છે. પેરામેડિકલ સ્ટાફની તાલીમ અને સજ્જતાને કારણે ગંભીર પરિસ્થિતિઓમાં પણ પ્રસૂતિ સફળતાપૂર્વક કરાવી શકાય છે. આ સેવાએ ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારોમાં એક સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે કે કટોકટીના સમયે પણ તેમને તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત તબીબી સહાય મળી રહેશે.
આમ, ૧૦૮ ઇમરજન્સી સેવાની આ ‘પ્રસૂતિ ક્રાંતિ’ ગુજરાતના જાહેર આરોગ્ય મોડેલનું એક ઉજ્જવળ પાસું છે. તેણે દર્શાવ્યું છે કે, કેવી રીતે સમયસર, અસરકારક અને પહોંચમાં રહેલી સેવાઓ લાખો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે અને રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવી શકે છે.