Western Times News

Gujarati News

મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને ટેરીફનું ગ્રહણઃ અમેરિકાના ઓર્ડરો ધડાધડ કેન્સલ થયા?

પ્રતિકાત્મક

દર મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે 1500 કરોડથી વધુ એક્સપોર્ટ મોરબીથી થાય છે.

એક તરફ ગુજરાતમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે બીજી તરફ અમેરિકાના ટેરીફની અસર થશે

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મોરબી પડી ભાંગ્યુ -મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને ૧૨ મહિને લગભગ ૧૫૦૦ કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છે

મોરબી, મોરબીમાં બનતી ટાઇલ્સને દેશ અને વિદેશમાં મોકલાવવામાં આવે છે. જો ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો દર મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને ૧૨ મહિને લગભગ ૧૫૦૦ કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છે જોકે, ૨૫ ટકા ટેરિફ લાગવાના કારણે મોરબીના સીરામીક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ છે.

આજની તારીખે અમેરિકામાં જે માલ જાય છે તેના ઉપર ૯ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી તથા ૩ ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી આમ ૧૨ ટકા ડ્યુટી અને છેલ્લા ત્રણ મહિનાથી ૧૦ ટકા ટેરીફ મળીને ૨૨ ટકા જેટલો ટેક્સ તો લાગે જ છે જો અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલી જાહેરાત મુજબ ૨૫ ટકાનો નવો દર લાગુ થશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધુ ૧૫ ટકા લાગશે જેથી કુલ ૩૭ ટકા જેટલો ટેક્સ અમેરિકાને આપવો પડશે.

આજની તારીખે મોરબીના જે સીરામીક ઉદ્યોગકારો અમેરિકામાં વેપાર કરે છે તેમના યુએસના ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા ટેરિફના નવા દર લાગુ કરવાની જાહેરાત થતાની સાથે જ તેઓના ઓર્ડરને કેન્સલ કરીને કન્ટેનરના શીપમેન્ટને રોકી દીધા છે. કેમ કે, અમેરિકા દ્વારા જે રીતે જુદા જુદા દેશ ઉપર ટેરિફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે તેમાં જો ખાસ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય તેવા દેશની વાત કરીએ તો ભારત ઉપર ૨૫ ટકા લાગુ કરવામાં આવી રહ્યો છે.

જોકે, સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરતા દેશમાં તર્કીમાં ૧૦ ટકા, ઈટલી અને સ્ટેનમાં માત્ર ૧૫ ટકા અને વિયેતનામમાં ૨૦ ટકા ટેરિફના નવા દર લાગુ કરવામાં આવ્યા છે જે ભારત કરતાં ઓછા જોવાના લીધે ત્યાંની સિરામિક પ્રોડક્ટ સસ્તી થશે જેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગને થશે. અને અમેરિકામાં મોરબીનું સિરામિક માર્કેટ તૂટે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.

અમેરિકા ટેરીફના નવા દરને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે અને મોટાભાગે તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવે તેવું હાલમાં દેખાઈ રહ્યું નથી ત્યારે ભારતના સિરામિક પ્રોડક્ટના ઉત્પાદકો માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે કારણ કે, ભારત ઉપર જે ટેરીફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે તેના કરતાં અન્ય દેશો કે જ્યાં સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે ત્યાં ટેરિફના નવા દર ઓછા લાગુ થઈ રહ્યા છે જેની સીધી અસર મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગ ઉપર થવાની છે અને અહીના માલની માંગ ઘટે તેવી શક્્યતાઓને નકારી શકાય તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.