ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી

પ્રતિકાત્મક
મંજૂરી વિના ચોકના નામ આપીને બોર્ડ લગાવી દેવાયા હતા, જે હવે સ્થાનિક તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે
ગાંધીનગર, અમદાવાદ અને ગાંધીનગરની હદમાં આવેલા ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સતત વિકાસ પામી રહેલા આ વિસ્તારમાં મંજૂરી વિના ચોકના નામ આપીને બોર્ડ લગાવી દેવાયા હતા, જે હવે સ્થાનિક તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે.
ન્યૂ ચાંદખેડા જે અમદાવાદ અને ગાંધીનગરની સીમા પર આવેલો છે અને ઝડપથી વિકસી રહ્યો છે, ત્યાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ ચોકના નામ આપી દેવામાં આવ્યા હતા.
આ મામલો તંત્રના ધ્યાનમાં આવતા માન સરોવર ૧૦૦ ફૂટ રિંગ રોડ પર આવેલા સત્યા સ્ક્વેરથી ડમરૂ સર્કલ સુધીના માર્ગ પર દેવ નારાયણ ચોક, હનુમાન ચોક તથા વિઠ્ઠલમાર્ગ સહિત ગેરકાયદે રીતે ઊભા કરાયેલા તમામ બોર્ડ તોડી પાડવામાં આવ્યા છે.
ન્યૂ ચાંદખેડાના કોર્પોરેટર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જીએમસીની હદમાં આવતો આ વિસ્તાર થોડા સમય ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. સતત રહેણાક મકાનો બની રહ્યા છે.
અહીં ચાર રસ્તા પર સ્થાનિક રહિશો દ્વારા મરજી મુજબ ચોકનું નામ આપી બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. ચાર રસ્તાના નામને લઇને જીએમસીને કોઇ રજૂઆત કે દરખાસ્ત મળી નથી. આમ છતાં મનસ્વી રીતે ચોકના નામ આપવામાં આવ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત, તંત્ર દ્વારા આજે જાહેર માર્ગો પરના લારી-ગલ્લાં અને અન્ય દબાણોને દૂર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. જોકે, આ કાર્યવાહીની સાથે એક સવાલ પણ ઊભો થાય છે. આ વિસ્તારમાં ઘણાં ખુલ્લા સરકારી પ્લોટ છે, જેની ફરતે જીએમસી દ્વારા ફેન્સિંગ કે કમ્પાઉન્ડ વોલ ન બનાવાતાં ત્યાં ભંગારના ગોડાઉન અને અન્ય દબાણો ખડકી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ અલ્પેશ ઠાકોરનો વિધાનસભા મત વિસ્તાર છે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીનો લોકસભા મત વિસ્તાર છે. આમ છતાં આ વિસ્તાર વિકાસ ઝંખી રહ્યો છે. આ વિસ્તારમાં સરકારી શાળા, લાઇબ્રેરી, સીનિયર સિટીઝન પાર્ક, પીએચસી સેન્ટર જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી આવકાર્ય છે, પરંતુ સાથે જ સ્થાનિકોની સુવિધા માટે નક્કર પગલાં લેવાની પણ જરૂર છે.