ઈડીની અનિલ અંબાણી સામે લુકઆઉટ નોટિસ જારી, ૫ાંચ ઓગસ્ટે તેડું

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિલાયન્સ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી (૬૬)ને કથિત બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગ સંદર્ભે પૂછપરછ માટે ૫ ઓગસ્ટે હાજર રહેવા જણાવ્યું છે.
આ મામલે તેમની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે. ઈડીના અધિકારીએ જણાવ્યું કે, અનિલ અંબાણીની ગ્રુપ કંપનીઓએ કરોડો રૂપિયાની બેન્ક લોનની ગરબડ કરી હોવાથી તેમને નિવેદન નોંધાવવા જણાવાયું છે. અનિલ અંબાણી જો ૫ ઓગસ્ટે હાજર રહે છે તો ઈડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તેમનું નિવેદન નોંધશે.
ઈડીની દિલ્હી સ્થિત મુખ્ય કચેરી દ્વારા કેસ નોંધવામાં આવ્યો હોવાથી અંબાણીને દિલ્હી હાજર થવું પડશે. પ્રાપ્ત વિગતો મુજબ આગામી સમયમાં આ કેસમાં તેમની ગ્રુપ કંપનીઓના અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ ઈડી સમન્સ પાઠવીને નિવેદન નોંધાવવા બોલાવી શકે છે.ગત સપ્તાહે ઈડીએ અનિલ અંબાણી ગ્રુપની ૫૦ કંપનીઓ સાથે સંકળાયેલા ૨૫ લોકોના ૩૫થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
૨૪ જુલાઈએ હાથ ધરાયેલી દરોડાની કામગીરી ત્રણ દિવસ સુધી ચાલી હતી. અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઈન્ફ્રા) સહિતની સંખ્યાબંધ કંપનીઓ વિરુદ્ધ બેન્ક લોન તથા અન્ય આર્થિક ગેરરીતિ મળીને કુલ શ્૧૭ હજાર કરોડની ગરબડ કરાતા ઈડીએ કાર્યવાહી કરી હતી. તપાસમાં જણાયું હતું કે, આર ઈન્ફ્રાએ સીએલઈ નામની કંપની મારફતે અન્ય જૂથ કંપનીઓને રિલેટેડ પાર્ટી ગણાવી શેરધારકો કે ઓડિટ પેનલની પૂર્વ મંજૂરી વગર ઈન્ટર કોર્પાેરેટ ડીપોઝિટ્સ (આઇસીડી) દ્વારા ફંડ ડાયવર્ટ કર્યું હતું.
ઈડીએ શુક્રવારે ઉદ્યોગ જૂથોને બોગસ બેન્ક ગેરંટી ઈશ્યૂ કરવાના કથિત કૌભાંડમાં ઓડિશા સ્થિત કંપનીમાં તપાસ હાથ ધરી હતી. આ કંપની દ્વારા રિલાયન્સની ગ્રુપ કંપનીને કથિત શ્૬૮ કરોડની ગેરંટી આપી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભુવનેશ્વર સ્થિત બિસ્વાલ ટ્રેડલિંક અને તેના ડિરેક્ટર્સ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરાયો છે.
દિલ્હી પોલીસની આર્થિક ગુનાખોરી પાંખ (ઈઓડબલ્યુ)ની નવેમ્બર ૨૦૨૪ની એફઆઈઆરને આધારે આ સમગ્ર કૌભાંડ સપાટી પર આવ્યું હતું. ઈડીના સૂત્રોના મતે આ કેસમાં શુક્રવારે ભુવનેશ્વર અને કોલકાતા સ્થિત સહયોગી સંસ્થા મળીને કુલ ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કંપની આઠ ટકા કમિશન લઈને બોગસ બેન્ક ગેરંટી આપતી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી.SS1MS