છ મહિનામાં જીએસટી વસૂલાત ૧૦.૭% વધી રૂ.૮.૧૮ લાખ કરોડ

નવી દિલ્હી, દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની વસૂલાત જુલાઈમાં તેમજ નાણાં વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પ્રોત્સાહક રહી છે. એપ્રિલથી જુલાઈ સુધીના છ મહિનામાં જીએસટી વસૂલાત ૧૦.૭ ટકા વધીને રૂ.૮.૧૮ લાખ કરોડ રહી છે.
જે અગાઉના વર્ષના સમીક્ષક ગાળામાં રૂ.૭.૩૯ લાખ કરોડના સ્તરે હતી. દરમિયાન જુલાઈમાં પણ જીએસટી કલેક્શન ૭.૫ ટકાની વૃદ્ધિ સાથે ૧.૯૬ લાખ કરોડ થયું હતું જે અગાઉના વર્ષના આ જ ગાળામાં ૧.૭૩ લાખ કરોડ નોંધાયું હતું. સ્થાનિક સોદા ઉપરાંત આયાતમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી જીએસટી આવક પ્રોત્સાહક રહી હતી.
જીએસટી વસૂલાતમાં વૃદ્ધિ આર્થિક ગતિવિધિમાં સ્થિરતા સુચવે છે.જીએસટી વસૂલાત સળંગ સાતમાં મહિને ૧.૮ લાખ કરોડથી વધુ નોંધાઈ છે પરંતુ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસમાં રૂ.૨.૧ લાખ કરોડની સરેરાશની તુલનાએ ઓછી છે.
ચાલુ નાણાં વર્ષમાં એપ્રિલમાં જીએસટીની વસૂલાત રેકોર્ડ રૂ.૨.૩૭ લાખ કરોડની સપાટીએ પહોંચી હતી. મેમાં તે આંશિક ઘટીને રૂ.૨.૦૧ લાખ કરોડ થઈ હતી.
જુલાઈમાં એકત્રિત થયેલી ગ્રોસ જીએસટી વસૂલાતમાં સેન્ટ્રલ જીએસટી પેટે રૂ.૩૫,૪૭૦ કરોડ પ્રાપ્ત થયા હતા, રાજ્ય જીએસટી પેટે રૂ.૪૪,૦૫૯ કરોડ, સંયુક્ત વસૂલાત રૂ.૧,૦૩,૫૩૬ કરોડ (આયાતથી થયેલી રૂ.૫૧,૬૨૬ કરોડ આવક સાથે) રહી હતી.SS1MS