સેલવાસઃ ધોરણ ૯ના વિદ્યાર્થીનો ૫ છાત્રો પર ચાકુથી હુમલો

સુરત, દાદરા નગર હવેલીના સેલવાસથી ચોંકવાનારી ઘટના સામે આવી છે. સેલવાસમાં આવેલી ઝંડા ચોક સરકારી શાળામાં ધોરણ ૯ના વિદ્યાર્થીએ ૫ વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કર્યાે હતો.
સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલીને બનાવ અંગ પોલીસને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઢળતી સાંજે સેલવાસની ઝંડા ચોક પાસે આવેલી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ વાત વણસતા ઝપાઝપી થઈ હતી.
મામલો ઉગ્ર બનતા ધોરણ ૯ના વિદ્યાર્થીએ પોતાની બેગમાંથી ચપ્પુ કાઢીને આડેધડ ફેરવવા માંડ્યું હતું. ધોરણ ૧૧ના પાંચ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યાે હતો. વિદ્યાર્થીઓના કાન, હાથ અને પીઠ સહિતના ભાગે ઈજા પહોંચી હતી. હુમલાની ઘટના અંગે જાણ થતાં જ શિક્ષકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલો કરનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસના સૂત્રોના કહેવા મુજબ હુમલો કરવાનું ચોક્કસ કારણ હજુ જણાયું નથી. સેલવાસ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS