AMTSનો નવો રેકોર્ડ: દેશમાં સૌથી ઉંચા ભાવે બસ મેઈન્ટેનસનો કોન્ટ્રાકટ આપશે

મન મુકીને ભ્રષ્ટાચાર-સમગ્ર દેશમાં પ્રતિ કિ.મી. રૂ.૭૦ના ચાલી રહેલ ભાવ સામે AMTS રૂ.૯૪ ચુકવી કોન્ટ્રાકટરને કરોડોનો ફાયદો કરાવશે
પુનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ.૯૪ ના ભાવે કોન્ટ્રાકટ આપ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, એક જમાનામાં એશિયાની સર્વ શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવામાં જેની ગણતરી થતી હતી તેવી એએમટીએસ સંસ્થા પર દેવાનો ડુંગર થઈ ગયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર મહિને આપવામાં આવતી લોનના સહારે ‘લાલ બસ’ દોડી રહી છે તેમ છતાં સંસ્થાના અધિકારીઓની ઉંઘ ઉડતી નથી અને મન મુકીને ભ્રષ્ટાચાર કરી રહયા છે.
ખાસ કરીને ગાંધીનગરથી ડેપ્યુટેશન પર આવતા અધિકારીઓ સામે આ મામલે સતત આક્ષેપ થઈ રહયા છે. સામાન્ય રીતે જે ઈલેકટ્રીક બસના ઓ એન્ડ એમમાં પ્રતિ કિ.મી. રૂ.૬પ થી રૂ.૭૦ ભાવ ચાલી રહયા છે તેને પ્રતિ કિ.મી. રૂ.૯૪ સુધી ઉંચા ભાવે કોન્ટ્રાકટ આપવાનો તખ્તો તૈયાર થઈ રહયો છે આ ટેન્ડરમાં ૧ર વર્ષ માટે રૂ.૧૪૪૧ કરોડ ચુકવવામાં આવશે જેના કારણે સંસ્થાને રૂ.ર૦૦ કરોડ કરતા પણ વધુ રકમનું નુકસાન થશે.
એએમટીએસ દ્વારા નવી રરપ ઈલેકટ્રીક બસ લેવામાં આવી છે જેના ઓપરેશન મેઈન્ટેનસ માટે પ્રથમ વખત ટેન્ડર જાહેર કરવામાં આવતા માત્ર એક જ કંપની કે જે આ બસના ઉત્પાદક પણ છે તેણે જ ટેન્ડર ભર્યું હતું તેથી સંસ્થા દ્વારા બીજી વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં પણ એજ કંપની એરો ઈગલ દ્વારા જ ટેન્ડર ભરવામાં આવ્યા હતાં
સામાન્ય રીતે જે કંપની ઈલેકટ્રીક બસનું ઉત્પાદન કરતી હોય તેને જ ઓપરેશન મેઈન્ટેનસના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જેમાં ટાટા, અશોક લેલેન્ડ, ઓલેકટ્રા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ ટેન્ડરમાં એએમટીએસના ઉચ્ચ અધિકારીએ માત્ર એરો ઈગલને જ કોન્ટ્રાકટ મળે તેવી શરતો રાખી હોવાથી મોટા ઉત્પાદકો એ પણ ટેન્ડરમાં રસ દાખવ્યો ન હતો.
એએમટીએસના ઉચ્ચ અધિકારીએ આ મામલે મનમાની કરી પુનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ.૯૪ ના ભાવે કોન્ટ્રાકટ આપ્યો છે જે સમગ્ર ભારતમાં જે ભાવ ચાલી રહયા છે તેના કરતા પ્રતિ કિ.મી. રૂ.૩૦ સુધી ઉંચા ભાવ છે. નોંધનીય બાબત એ છે કે એરો ઈંગલ કંપની જાતે કોઈ બસનું ઉત્પાદન કરતી નથી પરંતુ તે માત્ર પાર્ટસ એસેમ્બલ કરીને જ બસ તૈયાર કરે છે તેમ જાણકારોએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા પ્રધાનમંત્રી ઈ બસ યોજના અંતર્ગત દેશના જુદા જુદા શહેરો અને રાજયો માટે ઈલેકટ્રીક બસના ઓપરેશન મેઈન્ટેનસ માટે ભાવ મંગાવવામાં આવ્યા હતાં.
જેમાં ગુજરાતમાં આ જ ૯ મીટર ગાડીનો ભાવ ૬૫.૫ રૂપિયા આવેલો છે. મધ્ય પ્રદેશ માં ૫૮.૧, મહારાષ્ટ્ર માં ૬૯.૦૫, રાજસ્થાન માં ૬૦.૯, હરિયાણા માં ૬૫, આંધ્રપ્રદેશ માં ૬૨.૨, ઉત્તરાખંડ માં ૫૭.૬, પોન્ડિચેરી માં ૬૩.૯ છત્તીસગઢ માં ૬૨ લડાખ માં ૭૧, મેઘાલય માં ૬૫, બિહાર માં ૬૨.૭, પંજાબ માં ૬૫.૯ તથા જનમાર્ગ દ્વારા હમણાં ૬ મહિના કરેલા ટેન્ડર માં ૭૨ રૂપિયા ભાવ ૧૨ મીટર બસ નો આવેલ હતો જેના કરતા પણ આ રેટ ખુબ જ વધારે છે.
હાલમાં મેં મહિનામાં નોઇડામાં થયેલા ટેન્ડર માં ૫૫ રૂપિયા ૯ મિટર બસનો તથા ૬૬ રૂપિયા ૧૨ મીટર બસનો ભાવ આવેલ છે. આ ટેન્ડરમાં માત્ર કંડક્ટર જ અલગથી વધારે માંગવામાં આવ્યા છે.
જો તેનો પણ ખર્ચ આમાં ઉમેરવામાં આવે તો ખર્ચ આજ ના ભાવ પ્રમાણે ૫ રૂપિયાથી વધારે ખર્ચ થાય નહિ. તથા બીજી બધી પેનલ્ટી વકરો ઓછો આવાની પેનલ્ટી સહીત માત્ર ૧૦% પેનલ્ટી માં સમાવી લેવામાં આવેલ છે. જેનાથી પણ ખર્ચ માં ફર્ક પડવો જોઈએ નહિ. તથા સંસ્થા દ્વારા સિંગલ બીડર ને જ આ કામ આપવામાં આવી રહ્યું છે.
જેથી ચકાસણી નું બીજું માધ્યમ ટેન્ડર માં ઉપલબ્ધ નથી. અને આ કામ તેવી કંપની ને આપવામાં આવી રહ્યું છે જે આજ થી બે વર્ષ પેલા સુધી અસ્તિત્વ માં જ નહોતી. તથા જેને આજ સુધી માત્ર એક જગ્યા એ બસ સપ્લાય કરી છે. જે પણ માત્ર ૫ મહિના થી ચાલી રહી છે.તથા ૨૨૫ બસ ના ટેન્ડર માં ક્વોલિફિકેશન માટે માત્ર ૩૫ ગાડી સપ્લાય નો જ અનુભવ માંગવામાં આવ્યો હતો જે આટલા મોટા ટેન્ડર માટે યોગ્ય શરત નથી. તેથી આ ટેન્ડરમાં મોટાપાયે ગરબડ થઈ હોવાનું માનવામાં આવી રહયું છે.