ક્રેડાઈ ગુજરાતની સામાન્ય સભામાં નવી ટીમની નિમણૂકઃ પરેશભાઇ ગજેરા ચેરમેન નિમાયા

વાઇસ પ્રેસીડેન્ટ તરીકે દીલીપભાઇ લાડાણી તેમજ જોઇન્ટ સેક્રેટરી તરીકે ધ્રુવિક પટેલની સર્વાનુમત વરણી
Surat, કોન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઇ) ગુજરાતની સામાન્ય સભા સુરત ખાતે યોજાઇ હતી. જેમાં રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાની ગુજરાત બિલ્ડર્સ એસોસીએશનના ચેરમેન તરીકે તેમજ વાઇસ પ્રેસીડેન્ટ તરીકે દીલીપભાઇ લાડાણી તેમજ જોઇન્ટ સેક્રેટરી તરીકે ધ્રુવિક પટેલની સર્વાનુમત વરણી કરવામાં આવી હતી.
આ નિમણુંક વર્ષ ૨૦૨૫-૨૭ માટે થઇ છે. આગામી તા.૭ ઓગસ્ટના ઝેડ લકઝરી બેન્કવેટ અમદાવાદ ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, ભાજપ પ્રદેશ અગ્રણી જીતુભાઇ વાઘાણી તેમજ ક્રેડાઇ નેશનલના જક્ષયભાઇ પટેલ, ગૃહમંત્રી શેખરભાઇ પટેલ અને ગુજરાતનાં અગ્રણી બિલ્ડરોની હાજરીમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની અંતર્ગત તાજપોશી કરવામાં આવશે.
ક્રેડાઇની એજીએમ પહેલા રાજકોટના બિલ્ડરોને આર્કિટેકટ ક્રિસ્ટોફર બેનિંગરે મકાન-બિલ્ડિંગની ડિઝાઇન વિષે માર્ગદર્શન આપ્યુ હતુ. આ તકે પરેશભાઇ ગજેરાએ બિલ્ડરોના પ્રશ્નો અને ખાસ કરીને રેરાથી બિલ્ડરોને થતી મુશ્કેલી અંગે સરકારમાં અસરકારક રજુઆત કરાયા અંગે માહીતી રજુ કરી હતી.
હવે રાજયભરના બિલ્ડરોના પ્રશ્નો હલ કરવા પ્રાથમિકતા અપાશે. તેમ તેઓએ જણાવ્યુ હતુ.