1.79 કરોડથી વધુ કોલ 108માં નોંધાયા ગુજરાતમાં જૂન – ૨૦૨૫ સુધીમાં

‘108 ઇમરજન્સી સેવા’: રાજ્યના નાગરિકો માટે સુરક્ષા કવચ
૫૮.૩૮ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ ૨૧.૭૭ લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમરજન્સી સેવા પૂરી પડાઈ
ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ ૨૪x૭ વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે.
રાજ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી જૂન–૨૦૨૫ સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ ૧.૭૯ કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૧૦૮ દ્વારા ૫૮.૩૮ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ ૨૧.૭૭ લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે.
જીવન-મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ ૧૭ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યો છે. તદુપરાંત એમ્બ્યુલન્સમાં ૯૪,૫૦૩ જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર ૫૭,૫૭૫ એમ કુલ ૧.૫૨ લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.
રાજ્યમાં ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ ઉપરાંત અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૧૨થી કાર્યરત ૪૩૪ જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧.૨૭ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે તેવી જ રીતે વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અંતર્ગત ૧૬.૪૧ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને ૫૯ વાન દ્વારા ૩.૨૭ લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં વર્ષ ૨૦૧૭માં શરૂ કરાયેલી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં કુલ ૫૧.૫૭ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. વર્ષ -૨૦૧૮માં શરૂ કરાયેલી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૭૫૬ જેટલા નાગરિકોનો આપાતકાલીન સેવાઓ આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
રાજ્યના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૧૯થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૧.૫૦ કરોડથી વધુ ઇમરજન્સી કોલ જેમાં પોલીસ, ફાયર, મેડીકલ અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે તેમ ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસની અખબારી યાદીમાં જણાવ્યું છે.