અમદાવાદમાં 1700 કરોડના ખર્ચે 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન રીહેબ કરાશે

પ્રતિકાત્મક
શહેરમાં ૪૦ વર્ષથી વધુ જુની ૧૧૦ કિ.મી.ની ડ્રેનેજ લાઈન રૂ.૧૭૦૦ કરોડના ખર્ચથી રીહેબ કરવામાં આવશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વર્ષો જુની ડ્રેનેજ સીસ્ટમ હોવાના કારણે નાગરિકોને પારાવાર હાલાકી થાય છે જે બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ૪૦ વર્ષ કે તેથી વધુ જુની અંદાજે ૧૧૦ કિ.મી. લંબાઈની ડ્રેનેજ લાઈન બદલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં ૪૦ વર્ષ કે તેથી વધુ જુની અંદાજે ૧૧૦ કિ.મી.કરતા વધુ ડ્રેનેજ લાઈનો છે જે પૈકી ૪૯.૯ કિ.મી.ની ડ્રેનેજ લાઈનો કાટ અને ગેસના કારણે લગભગ ખવાઈ ગઈ છે જેને કારણે અવારનવાર બ્રેક ડાઉનની સમસ્યા રહે છે.
આ ઉપરાંત ઘણી જગ્યાએ ડ્રેનેજ બેકીગની સમસ્યા થાય છે આ બાબતને પણ ધ્યાનમાં લઈ ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા રૂ.૬૪ર.પ કરોડના ખર્ચથી તે રીહેબ કરવાની શરૂઆત કરવામાં આવી છે જેની કામગીરી ર૦ર૭માં પૂર્ણ થશે. આ ઉપરાંત વધુ ૬૦ કિ.મી. લંબાઈની લાઈનોની પણ સમાન પરિસ્થિતિ છે જે રીહેબના ટેન્ડર ટુંક સમયમાં કરવામાં આવશે જેના માટે રૂ.૧૦૮૯.૪૭ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે જે વર્લ્ડ બેંકની લોનમાંથી કરવામાં આવશે. આ લાઈનોની કામગીરી ર૦ર૮માં પૂર્ણ થાય તેવી શક્યતા છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ શહેરમાં ડ્રેનેજની સમસ્યાના નિવારણ માટે ઈસ્ટ્રંન ટ્રંક લાઈન કાર્યરત થઈ ગઈ છે જયારે ટુંક સમયમાં વેસ્ટર્ન ટ્રંક લાઈન પણ કાર્યરત થઈ જશે તેથી પૂર્વ અને પશ્ચિમમાં ડ્રેનેજ બેકીગ અને વરસાદ પાણીની સમસ્યાનો નિકાલ થશે. આ ઉપરાંત ૪૦ વર્ષ કે તેથી વધુ જુની લાઈનોને રીહેબ કરવાથી વારંવાર થતાં બ્રેક ડાઉન, ભુવા પડવા જેવી સમસ્યા પણ અટકી જશે. શહેરમાં આવી ૧૧૦ કી.મી.ની લાઈન માટે રૂ.૧૭૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.