Western Times News

Gujarati News

Coal Scam? 4000 ટન કોલસાનો જથ્થો ગુમ: મંત્રીનો દાવો વરસાદના કારણે પાણીમાં વહી ગયો

મેઘાલયમાં અચાનક ૪૦૦૦ ટન કોલસાનો ગુમ જથ્થો ચર્ચાનો વિષય બન્યો -વરસાદના કારણે કોલસો પાણીના પ્રવાહમાં વહી ગયો

મેઘાલય, મેઘાલયમાં અચાનક ૪૦૦૦ ટન કોલસાનો ગુમ જથ્થો ચર્ચાનો વિષય બન્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ મેઘાલયના મંત્રીએ કોલસા ગુમ થવા પાછળનું કારણ ધોધમાર વરસાદ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, મૂશળધાર વરસાદના કારણે કોલસો પાણીના પ્રવાહમાં વહી ગયો છે.

મેઘાલય હાઈકોર્ટે રાજ્ય સરકારને કોલસો ગુમ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મેઘાલય સરકારે આબકારી મંત્રી કિરમેન શાયલાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન મેઘાલયે આબકારી મંત્રી કિરમેન શાયલાએ જણાવ્યું હતું કે, મેઘાલયમાં મૂશળધાર વરસાદ થયો હતો. જેના લીધે કદાચ કોલસો (૪૦૦૦ ટન) પાણીમાં વહી ગયો હશે. તેની શક્્યતા વધુ જણાઈ રહી છે. હું માત્ર વરસાદને કારણભૂત નથી ગણાવી રહ્યો, પરંતુ હું સંભાવના વ્યક્ત કરી રહ્યો છેં કે, આમ થઈ શકે. તેની પાછળનું વાસ્તવિક કારણ કોઈ જાણતું નથી.

કિરમેન શાયલાએ વધુમાં કહ્યું કે, બની શકે કે કોઈ રોજી-રોટી માટે કોલસો લઈ ગયુ હોય. કારણકે, કોઈપણ વ્યક્તિ પોતાના રાજ્યને નુકસાન પહોંચાડી શકે નહીં. સરકારના સાયન્ટિફિક માઈનિંગના વિચારથી રાજ્યમાં તમામ ખુશ હતા. મને લાગે છે, અમારા લોકો આવુ કરી શકે નહીં. તેમણે ખાતરી કરી હતી કે, રાજ્યમાં કોલસાનું માઈનિંગ અને પરિવહન કાયદા અંતર્ગત થઈ રહ્યું છે. તેમજ ઓથોરિટી ગેરકાયદે ગતિવિધિઓ ન થાય તે સુનિશ્ચિત કરી રહી છે.

રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે કોલસા ખાણકામ અને પરિવહનના આરોપો અંગે શાયલાએ કહ્યું કે આવા દાવાઓને સ્થાપિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર છે અને આવી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે બહુવિધ વિભાગો જવાબદાર છે.

મેઘાલયના રાજાજૂ અને ડિઅેંગન ગામમાંથી લગભગ ૪૦૦૦ ટન કોલસો ગુમ થઈ ગયો છે. હાઈકોર્ટે ૨૫ જુલાઈના રોજ આ મામલે સુનાવણી કરતાં રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા હતાં. કોલસાને ગેરકાયદે રીતે ગુમ કરનારા વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પણ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે, મેઘાલયમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ૨૦૧૪ માં કોલસા ખાણકામ અને પરિવહન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં પ્રચલિત વ્યાપક અનિયંત્રિત અને અસુરક્ષિત ખાણકામ પ્રથાઓ, ખાસ કરીને વિવાદાસ્પદ ખાણકામ તકનીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.