દાહોદના ઝાલોદ ખાતે ૩૦૩ કિલો અફીણના પોષડોડા ભરેલી કાર પકડાઇ

દાહોદ, ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે મધ્ય રાત્રે પોલીસે એક કારનો પીછો કરતાં ચાલક તે બિનવારસી છોડીને ભાગી છુટ્યો હતો. આ કારની ડેકીમાંથી ૯ લાખથી વધુની કિંમતના ૩૦૩ કિલોથી વધુ અફીણના પોષડોડા મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ ઘટના મામલે પોલીસે એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પેટ્રોલિંગમાં નીકળેલી ચાકલિયા પોલીસે ગુલતોરા ગામમાં જીજે-૨૩-બીએચ-૨૭૯૪ નંબરની ક્રેટા કારને શંકાના આધારે રોકવાનો સંકેત કર્યાે હતો. કાર ચાલક આગળ ધપાવી જઇને તેમાંથી ફરાર થઇ ગયો હતો. પરોઢના ૪.૩૫ વાગ્યાના અરસામાં ચાકલિયાથી દાહોદ રોડ ઉપર પાડવા ફળિયામાં આ કાર બિનવારસી મળતાં તપાસ કરવામાં આવી હતી.
ત્યારે આ કારની ડેકીમાં મુકી રાખેલા ૧૭ થેલાઓમાંથી અફીણના ૩૦૩ કિલોથી વધુ વજનના પોષડોડા જેને જિંડવા પણ કહેવાય છે, ભરેલા હોવાનો ખુલાસો થયો હતો. આ પોષડોડાની કિંમત ૯,૦૯,૧૨૦ રૂપિયા આંકવામાં આવી છે.
આ તમામ થેલાઓ અને ક્રેટા કાર મળી કુલ રૂ. ૧૪,૦૯,૧૨૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે છે. કારની ડીકીમાંથી એક્સપ્રેસ બીસ પાર્સલ સ્લીપ પણ મળી આવી હતી. આ સાથે કારની આગળના ભાગે ખાલી સાઇડની શીટ નીચેથી અલગ-અલગ નંબરો લખેલા વાહનોનો રજિસ્ટ્રેશન વાળી ચાર નંબર પ્લેટ પણ મળી આવી હતી.
આ કારનો નંબર સાચો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરીને ફરાર થઇ ગયેલા અજાણ્યા ચાલક વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SS1MS