ઓઢવમાં વાઘબકરી ચાના ૧૧૭૫ બનાવટી પેકેટ સાથે બેની ધરપકડ

અમદાવાદ , ઓઢવ છોટાલાલની ચાલી પાસે કરિયાણાની દુકાનમાં વાઘબકરી ચાના ડુપ્લિકેટ લોગો અને માર્કા લગાવીને વેચવામાં આવી રહ્યા હતા. વાઘબકરી હાઉસની લીગલ ટીમે ઓઢવ પોલીસને સાથે રાખીને દુકાનમાં ચેકિંગ કરતા ડુપ્લિકેટ વાઘબકરી ચાના નાના મોટા થઈને કુલ ૧૧૭૫ પેકેટ મળી આવ્યા હતા.
આ મામલે ઓઢવ પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી છે.કૃષ્ણનગરમાં રહેતા જૈનમભાઈ શાહ (૩૨) પરિમલ ગાર્ડન પાસે વાઘબકરી હાઉસમાં લીગલ મેનેજર તરીકે નોકરી કરે છે.
તેમની કંપની તરફથી વાઘબકરી ચાના લોગોવાળા પેકેટ વેચતા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ગત રોજ જૈનમભાઈ અને બે કર્મીઓ કંપનીના કામથી ઓઢવ વિસ્તારમાં ફરતા હતા. ત્યારે ઓઢવ છોટાલાલની ચાલી પાસે અંબિકા ટ્રેડર્સ નામની દુકાનો વેપારી ડુપ્લિકેટ લોગો વાળી વાઘબકરી ચાનું વેચાણ કરતો હતો.
આ મામલે કંપનીએ ઓઢવ પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવતા દુકાનના માલિક જયપ્રકાશ સુથાર, મહેશભાઈ દવેને ઝડપી પાડ્યા હતા. દુકાનમાં વધુ તપાસ કરતા ત્રણ પ્લાસ્ટિકના થેલામાંથી કુલ ૧૧૭૫ વાઘબકરી ચાના ડુપ્લિકેટ લોગો અને માર્કા વાળા પેકેટ મળી આવ્યા હતા. આ મામલે ઓઢવ પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને બેની ધરપકડ કરી છે.SS1MS