ભાવનગરથી મહેસાણા થઈ રામલલ્લાની નગરી અયોધ્યાને જોડતી ટ્રેન શરૂ કરાઈ

ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ ઉદ્ઘાટન એક્સપ્રેસનું મહેસાણામાં ભવ્ય સ્વાગત કરાયું
હવે મહેસાણાના રહેવાસીઓ સોમવારે સાંજે આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે અને મંગળવારે અયોધ્યા પહોંચી શકશે, મંદિરના દર્શન કરી શકશે અને રાત્રે તે જ ટ્રેનમાં પાછા ફરી શકશે.
માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી દ્વારા મહેસાણા સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
આજે 3 ઓગસ્ટ 2025ના રોજ ભાવનગર ટર્મિનસ –અયોધ્યા કેંટ એક્સપ્રેસ નો શુભારંભ માનનીય કેન્દ્રીય રેલ, સૂચના, તથા પ્રસારણ, ઇલેક્ટ્રોનિક તથા સૂચના ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય કેન્દ્રીય શ્રમ,રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, તથા માનનીય રાજ્યમંત્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણીયા, દ્વારા ભાવનગર ટર્મિનસ થી લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું .
આ જ ક્રમમાં, અમદાવાદ ડિવિઝનના મહેસાણા સ્ટેશન પર ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ એક્સપ્રેસના પ્રથમ આગમન પર ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું . આ ક્ષણ મહેસાણા વાસીઓ માટે ખૂબ જ ખાસ રહી, કારણ કે આ ટ્રેન પહેલીવાર તેમના સ્ટેશન પર પહોંચી હતી. આ ટ્રેનની માંગ મહેસાણા ક્ષેત્રથી લાંબા સમયથી લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહી હતી, જે આજે પૂર્ણ થઈ છે. તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનો આ ટ્રેન ચલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો.
મહેસાણા સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મહેસાણા શ્રી હરિભાઈ પટેલ, ડીઆરએમ અમદાવાદ શ્રી વેદ પ્રકાશ, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને ખેડાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં ટ્રેનને અયોધ્યા માટે રવાના કરવામાં આવી હતી.
આ ભાવનગરથી અયોધ્યા માટે પ્રારંભ કરવામાં આવેલી પહેલી ટ્રેન સેવા છે. જે સૌરાષ્ટ્ર ક્ષેત્રની સાથે સાથે મહેસાણા ને સીધા ઉત્તરપ્રદેશના પવિત્ર નગર અયોધ્યાથી જોડે છે. આ સેવાથી મહેસાણા અને તેની આસપાસના મુસાફરોને હવે અયોધ્યા જવા માટે હવે એક સુવિધાજનક, સુરક્ષિત, અને સીધી રેલ યાત્રાનો વિકલ્પ મળ્યો છે. આ ટ્રેન ક્ષેત્રના ભક્તો અને મુસાફરોને સીધા અયોધ્યા સુધી લઈ જશે. હવે મહેસાણા ક્ષેત્રના નાગરિકો અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિના દર્શન માટે સીધા ટ્રેન દ્વારા મુસાફરી કરી શકશે, જેનાથી સમય અને સંસાધનોની બચત થશે અને ધાર્મિક પર્યટનને પણ એક નવું પરિમાણ મળશે.
મહેસાણા સ્ટેશન પર આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં GCMMF-અમૂલ અને દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોક ચૌધરી, મહેસાણા ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશ રાજગોર, રેલવે અધિકારીઓ, સ્થાનિક નાગરિકો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.