Western Times News

Gujarati News

ગાંધીનગરના માજી મેયર હિતેશ મકવાણાને હોદ્દાનો મોહ હજુ પણ છુટતો નથી?

હજુ પોતાની કારના આગલાં કાચ પર મોટા અક્ષરે “મેયર” લખેલું બોર્ડ ટીંગાડીને ફરે છે.-‘મેયર’ શબ્દ પહેલા માંડ માંડ વાંચી શકાય એવા ખૂબ જ ઝીણાં અક્ષરે ‘પૂર્વ’ શબ્દ લખ્યો છે!

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પક્ષનાં નેતા અને કાર્યકરોને ગાઈ વગાડીને કહે છે કે વી.આઈ.પી.કલ્ચરમાથી મુક્ત થાઓ.

પણ એમાં પેલી જાણીતી કહેવત ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ જેવો ઘાટ થાય છે. તેનુ સીધું ઉદાહરણ પાટનગરના પૂર્વ મેયરે પુરૂં પાડ્‌યું છે. ગાંધીનગરના મેયરપદે તા.૨૦/૧૦/૨૦૨૧ થી જુન-૨૦૨૪ સુધી રહેલા હિતેશ મકવાણાને હજુ પણ તદ્દન કામચલાઉ રીતે મળેલા પોતાના પૂર્વ હોદ્દાનો મોહ છુટતો નથી.

મકવાણા માત્ર ૩ વર્ષ (આચારસંહિતા લાગુ હોવાથી થોડા વધુ સમય સુધી) માટે મેયરપદે રહેલા.

એ છોડ્‌યાને પણ આજે ૧૪ મહિના થઈ ગયા તેમ છતાં વાઘેલા હજુ પોતાની કારના આગલાં કાચ પર મોટા અક્ષરે “મેયર” લખેલું બોર્ડ ટીંગાડીને ફરે છે.જોવાની ખૂબી એ છે કે મોટા અક્ષરે લખેલાં ‘મેયર’ શબ્દ પહેલા માંડ માંડ વાંચી શકાય એવા ખૂબ જ ઝીણાં અક્ષરે ‘પૂર્વ’ શબ્દ લખ્યો છે!

એટલે દૂરથી માત્ર ‘મેયર’ શબ્દ જ વંચાય. ‘પૂર્વ’ શબ્દ વાંચવા માટે કારની ખૂબ જ નજીક જવું પડે! ભા.જ.પ.ના નેતાઓની સત્તા પ્રત્યેની આસક્તિ કેવી છે એ આ પ્રસંગથી છતી થાય છે હોં.

પ્રણવ પારેખ હવે મુખ્યમંત્રીના પૂર્ણ સમયના અંગત મદદનીશ બની ગયા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં બે અંગત મદદનીશોને તેમના પરાક્રમને કારણે વિદાય કરી દીધાં પછી એ સ્થાન ખાલી હતું.છેલ્લે નીલ પટેલનાં ગયા પછી મુખ્યમંત્રીની મુલાકાત નક્કી કરતા ખાસ ફરજ પરના અધિકારી પ્રણવ પારેખ પોતાની કામગીરી ઉપરાંત મુખ્યમંત્રીના અંગત મદદનીશ તરીકે કામગીરી સંભાળતા હતા.

આ કારણે તેઓ તેમની ઓફિસમાં ભાગ્યે જ બેસી શકતા હતા.પરંતુ હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં આંતરિક ફેરબદલી કરીને પ્રણવ પારેખને મુખ્યમંત્રીના પૂર્ણ સમયના અંગત મદદનીશ (પી.એ.) બનાવી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ મુખ્યમંત્રી કાર્યાલયના એક અન્ય ખાસ ફરજ પરના અધિકારી પરાગ શાહને મુખ્યમંત્રીની એપોઈન્ટમેન્ટ અંગેની કામગીરી સોંપવામાં આવી છે.

પરાગ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી છે અને ગુજરાત સરકારમાં ડેપ્યુટેશન પર આવીને મુખ્યમંત્રી કાર્યાલયમાં કામગીરી કરે છે.જ્યારે પ્રણવ પારેખ ગુજરાત સરકારનાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર કેડરના અધિકારી છે.

યુવાનો યુ.પી.એસ.સી.માં  UPSC જોડાય એ માટે સ્પીપાનુ નેત્રદીપક કાર્ય


ગુજરાતનાં વધુમાં વધુ ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પાસ થાય એ માટે ગુજરાત સરકારની અમદાવાદ સ્થિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા(સ્પીપા) તથા તેના સુરત, વડોદરા , મહેસાણા અને રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં દર વર્ષે ૬૩૫ ઉમેદવારો માટે પ્રશિક્ષણ(તાલીમ) વર્ગ ચલાવવામાં આવે છે.

આ વર્ગમાં જોડાયેલા દરેક યુવાનને દરેક તબક્કા માટે તાલીમ, અદ્યતન વાંચનાલય તથા વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા આપવામાં આવે છે.તાલીમમા ૮૦ ટકા કે તેથી વધુ હાજરી આપનાર યુવાનને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.આ વાતનો યુવાનોમાં એટલો બધો પ્રચાર થયો છે કે આ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવા માટે ગત તા.૨૦/૦૭/૨૫ના દિવસે લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષામાં ૧૦,૦૦૦થી વધુ યુવાનો સામેલ થયા હતા.

આનુ કારણ એ છે કે અગાઉ ૨૦૨૧-૨૨મા ૧૬,૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪મા ૨૬ ઉમેદવારો યુ.પી.એસ.સી.માં પસંદગી પામ્યા હતા.આ ઉપરાંત સિવિલ સર્વિસીઝની ૨૦૨૪ લેવાયેલી પ્રિલિમ પરીક્ષા સ્પીપાની જુની અને નવી બેચના ૨૫૯ ઉમેદવારોએ પાસ કરી હતી.તેમાથી ૭૦ યુવાનો મૌખિક ઇન્ટરવ્યુ માટે યોગ્ય ઠર્યા હતા.

સ્પીપાના આઈ.એ.એસ.તાલીમ સેન્ટરની સ્થાપના ૧૯૯૨મા કરવામાં આવી હતી.ત્યારે તેનાં કમિશનર તરીકે આઈ.એ.એસ.કેડરના અધિકારી જી.સુબ્બારાવ સેવા આપતા હતા, તેઓએ જ આજે આ વટવૃક્ષ બની ગયેલા સેન્ટરના બીજ રોપ્યા હતા.

જી.પી.એસ.સી.ની (GPSC) પરીક્ષાઓનું સ્તર કેમ આટલું બધું નીચે ઉતરી ગયું છે?
‘ગુજરાત સરકાર પાસે એક આખો કાયદા વિભાગ હોવા છતાં ગુજરાતમા લેવાતી એક પણ જાહેર પરીક્ષા એવી નથી કે જેમાં બેઠેલાં ઉમેદવારોએ હાઈકોર્ટમાં ન્યાય માટે જવુ ન પડ્‌યું હોય!’ આ શબ્દો છે જી.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક પુસ્તકો લખતાં પ્રા.ડો.બી.સી. રાઠોડના.

જાણીતા રાજકીય અને સામાજિક વિશ્લેષક તથા વિદ્વાન પત્રકાર ડો.હરિ દેસાઈ સાથે વાતચીત કરતા પ્રા.રાઠોડે આ વાત કરી હતી.વધુમા તેઓએ જણાવ્યું કે ઃહસમુખ પટેલનાં અધ્યક્ષપદે ચાલતા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી પરીક્ષામાં અનેક છબરડાઓ થતાં રહે છે.’

પ્રો.રાઠોડે એવી ચોંકાવનારી વાત કરી કે ‘જી.પી.એસ.સી. દ્વારા તા.૨૦/૦૪/૨૫ના દિવસે લેવામાં આવેલી પ્રિલીમીનરી પરીક્ષાની અંતિમ ‘આન્સર કી’ માં ૨૦૦માથી ૩૭મા ભૂલો હતી.જેમા ૧૯ જવાબો બદલવા પડ્‌યા,૧૪ કેન્સલ કરવા પડ્‌યા અને ૪મા જવાબના બે વિકલ્પો સ્વીકારવા પડ્‌યા.

આ નિવેડો આવ્યા પછી પણ વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા અને તા.૨૯/૦૭/૨૫ના રોજ હાઈકોર્ટે વિદ્યાર્થીઓની તરફેણ કરીને ૨૨૨ વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાનો હુકમ કર્યો.’જી.પી.એસ.સી.ના આટલાં બધાં છબરડા વિદ્યાર્થીઓના મનમાં અનેક તર્કવિતર્કો જન્માવે છે હોં!

ગાંધીનગર મહાનગરપાલિકાનાં સત્તાધીશોનો માનવીય અને વ્યવહારુ અભિગમ


ગાંધીનગર મહાનગરપાલિકાનાં મેયર મીરા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ અને કમિશનર જે.એન. વાઘેલાએ તાજેતરમાં એક કિસ્સામાં ભરપૂર સંવેદનશીલતા દાખવીને માનવીય અને વ્યવહારુ અભિગમ દાખવ્યો હતો.

વાત જાણે એમ બની કે પાટનગરની અગ્રણી સાંસ્કૃતિક સંસ્થા ‘સંસ્કૃતિ’ દ્વારા તા.૨/૮/૨૫ના દિવસે પોતાના સભ્યો માટે ગાંધીનગરના ટાઉનહોલ માં ‘જીગ્નેશભાઈ જોરદાર’ નામના નાટકના શો આયોજિત કર્યો હતો.

આ માટે સંસ્થાએ એક મહિના અગાઉ બુકિંગ કરાવ્યું હતું.આ દરમિયાન બન્યું એવું કે તા.૨/૮/૨૫ના દિવસે મહાનગરપાલિકા તરફથી શહેરના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમ રાખવા માટે માર્ગ અને મકાન વિભાગને એ આખો દિવસ ટાઉનહોલ અનામત રાખવા જણાવી દેવાયું અને તેને કારણે સંસ્કૃતિ સંસ્થાનું બુકિંગ રદ થવાની શક્યતા ઉભી થઇ.

આ અંગે સંસ્કૃતિ સંસ્થાના પ્રમુખ રમેશ પટેલે મેયર,સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન અને કમિશનરને રૂબરૂ મળીને સંસ્થાની કફોડી સ્થિતિ અંગે રજુઆત કરી હતી.તેના અનુસંધાને આ ત્રણેય પદાધિકારી અને અધિકારીએ અત્યંત વ્યવહારુ રસ્તો કાઢીને મહાનગરપાલિકાનો કાર્યક્રમ વહેલો યોજી દઈને

ગાંધીનગરની સાંસ્કૃતિક સંસ્થા, કલાપ્રેમી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે એનું સુપેરે ધ્યાન રાખ્યું હતું અને સંસ્કૃતિ સંસ્થાનો કાર્યક્રમ પણ નિર્વિઘ્‌ને પાર પડ્‌યો હતો. આ માટે મીરા પટેલ, ગૌરાંગ વ્યાસ અને કમિશનર જે.એન.વાઘેલા અભિનંદનના અધિકારી ગણાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.