3920 કરોડના ખર્ચે આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર સાથેનો બનશે જંબુસર બલ્ક ડ્રગ પાર્ક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધિન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું
૨૦૧૫ એકર વિસ્તારમાં ૩૯૦૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ભરૂચ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૮૧૫ હેક્ટર(૨૦૧૫ એકર) વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૨૦૨૦માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર GIDC દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓની તેમની મૂલાકાત દરમિયાન જે તે જિલ્લામાં નિર્માણાધિન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો જે ઉપક્રમ હાથ ધર્યો છે તે સંદર્ભે આ બલ્ક ડ્રગ પાર્કની મૂલાકાત લીધી હતી. તેમણે બલ્ક ડ્રગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પાર્કની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
બલ્ક ડ્રગ પાર્કને મુખ્ય માર્ગ-રસ્તાને જોડતી કનેક્ટિવિટી માટે એપ્રોચ રોડ, કમ્પાઉન્ડ વોલ, ઇન્ટરનલ રોડ તથા પ્રી-કાસ્ટ વરસાદી પાણીની ગટર, ઇન્ટરનલ પાણી પુરવઠા વ્યવસ્થા અને એફ્લ્યુઅન્ટ ડિસ્પોઝલ સહિતની ચાલી રહેલી કામગીરી વિશે મુખ્યમંત્રીશ્રીએ માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને અન્ય સુવિધાઓનો વિકાસ રૂ. ૫૫૦ કરોડના ખર્ચ થઈ રહ્યા છે.
આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે રૂ. ૩૯૨૦ કરોડના ખર્ચે આકાર પામશે અને સંભવતઃ માર્ચ-૨૦૨૭ સુધીમાં પૂર્ણ થઈ જશે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીને આ મૂલાકાત દરમિયાન આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથે આ મૂલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી, જી.આઈ.ડી.સી.ના મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી પ્રવિણા ડી. કે., ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જી.આઈ.ડી.સી.ના ચીફ ઈજનેર શ્રી મેણાત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.