Western Times News

Gujarati News

મચ્છુનગર ખારીકટ કેનાલ પર આવેલ બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ઝન

File Photo

રામોલવટવા GIDC તરફ ખારીકટ કેનાલ પર આવેલ બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

Ahmedabad, અમદાવાદ શહેરનાં “જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામોલ ચોકીથી વટવા GIDC તરફ મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર બ્રીજ આવેલ હોય અને આ બ્રીજ હાલ જર્જરીત હાલતમાં છે. આ બ્રીજનાં નિર્માણને આશરે ૫૦ (પચાસ) વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ,અમદાવાદ દ્વારા તજજ્ઞ પાસે બ્રીજની ચકાસણી કરાવતાં તજજ્ઞ દ્રારા આવેલ રીપોર્ટ મુજબ સદર બ્રીજ મોટા અને ભારે વાહનોની અવર-જવર માટે સલામત જણાઈ આવેલ નથી.જેથી ભારે તથા મધ્યમ પ્રકારનાં ભારવાહક તથા પેસેન્જર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત/ડાયવર્ઝન કરવામાં આવે છે.

શરદ સિંઘલ, IPS, I/C.પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી)ની સત્તા અન્વયે અમદાવાદ શહેરનાં “જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રામોલ ચોકીથી વટવા GIDC તરફ મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર બ્રીજ આવેલ હોય અને આ બ્રીજ હાલ જર્જરીત હાલતમાં હોય જેથી આ બ્રીજ ઉપરથી પસાર થતાં વાહનો પૈકી પોલીસ કમિશ્નરશ્રી,અમદાવાદ શહેરનાઓ દ્રારા આમુખથી પ્રસિધ્ધ કરેલ જાહેરનામાંથી પ્રતિબંધ ફરમાવેલ છે તેવા ભારે તથા મધ્યમ પ્રકારનાં ભારવાહક અને પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાં નીચે મુજબનો હુકમ કરું છું.

ભારે તથા મધ્યમ પ્રકારનાં ભારવાહક તથા પેસેન્જર વાહનો માટે પ્રતિબંધિત માર્ગની વિગત

રામોલ ચોકી ચાર રસ્તા થી મચ્છુનગર તરફ જતા વાહનો તેમજ જી.આઈ.ડી.સી. અંબિકા ત્રણ રસ્તા તરફથી આવી મચ્છુનગર થઈ રામોલ ચાર રસ્તા તરફ વાહનો અવર જવર કરી શકાશે નહીં. (મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર આવેલ બ્રીજ ઉપરથી)

વૈકલ્પિક માર્ગની વિગત

(૧) વટવા જી.આઈ.ડી.સી.ના અંદરના ભાગેથી પસાર થઇ ત્રિકમપુરા ચાર રસ્તા તરફ નિકળી જમણી બાજુ વળી રામોલ ચોકી ચાર રસ્તા થઇ હાથીજણ (લાલ ગેબી સર્કલ) તરફ અવર-જવર કરી શકાશે.

(૨) જી.આઈ.ડી.સી.તરફ આવતાં વાહનો ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી જી.આઈ.ડી.સી. વટવા તરફ અવર-જવર કરી શકશે.

અપવાદ : ફરજમા રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામુ લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૦૪/૦૮/૨૦૨૫ ના રાત્રી કલાક ૦૦/૦૦ થી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ,અમદાવાદ દ્રારા આ બ્રીજ તોડી નવીન બ્રીજ બનાવી તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં ન આવે ત્યાં સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.