6થી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની થશે ઉજવણી

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડે સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે ‘યોજના પંચકમ્’ અંતર્ગત અમલમાં મૂકી છે પાંચ વિશિષ્ટ યોજનાઓ
સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના હેઠળ વિવિધ સંસ્કૃત કાર્યક્રમો માટે સંસ્થાઓ, સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે મળશે નાણાકીય સહાય
સંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવાય છે કે, ‘अमृतं संस्कृतं मित्र, सरसं सरलं वच: । एकता–मूलकं राष्ट्रे, ज्ञान–विज्ञान–पोषकम् ।।’ એટલે કે, આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે, અને સરળ પણ. સંસ્કૃત પોતાના વિચારો, પોતાના સાહિત્યના માધ્યમથી જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ઉક્તિનો ઉલ્લેખ કરતાં લોકો વધુમાં વધુ સંસ્કૃત વાંચે અને તેનો અભ્યાસ કરે એ બાબત પર ભાર મૂક્યો છે. વિશ્વની સૌથી જૂની ભાષા કહેવાતી સંસ્કૃત ભાષા ભારતની ઋષિ-પરંપરા, દર્શન, આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની જીવંત અભિવ્યક્તિ છે. સંસ્કૃત એ માત્ર એક ભાષા નથી, પણ જીવન દ્રષ્ટિ છે- જે માનવીના સર્વાંગી વિકાસમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા (રક્ષાબંધનના દિવસે)ના દિવસે સંસ્કૃત દિન ઉજવવામાં આવે છે અને તેના પ્રચાર-પ્રસાર માટે ભારતભરમાં સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવે છે. આ વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિન છે ત્યારે 6થી 12 ઓગસ્ટ 2025 સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી થશે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિ-દિવસીય વિશેષ ઉજવણી કરવામાં આવશે.
રાજ્યમાં 6થી 8 ઓગસ્ટ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થશે
વર્ષ 1969માં ભારત સરકાર અને સંસ્કૃત સંસ્થાઓના સહયોગથી સંસ્કૃત દિનની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાનો, તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને નવી પેઢીને આ પ્રાચીન ભાષા સાથે જોડવાનો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતમાં 6થી 8 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિવસ અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિવસ ઉજવવામાં આવશે.
સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન જિલ્લા અને રાજ્ય કક્ષાએ થશે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાઓ, સંસ્કૃત વિદ્વાનો, કવિઓ, લેખકો સંસ્કૃત ગૌરવરૂપ જ્ઞાન વારસાની ઝાંખીઓનું પ્રદર્શન, સંસ્કૃત સાહિત્યકૃતિ, સંસ્કૃત ગાન, સૂત્રોચ્ચાર સાથે યાત્રામાં જોડાશે. બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિને મુખ્યમંત્રીશ્રી, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અધિકારીઓ, મંત્રીશ્રીઓ વગેરે સંસ્કૃત ભાષામાં સંદેશ પાઠવશે. તૃતીય દિવસે સંસ્કૃત સાહિત્ય દિને સમગ્ર રાજ્યમાં વિવિધ સ્તરે વેદપૂજન, વ્યાસપૂજન, ઋષિપૂજન, આચાર્યપૂજન, સંસ્કૃત સાહિત્ય સંબંધિત સભાઓ, વ્યાખ્યાનોના આયોજન દ્વારા સમાજમાં સંસ્કૃત સાહિત્યનું ગૌરવ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સંસ્કૃત સંવર્ધનથી સંસ્કૃતિનો પ્રસાર કરી રહ્યું છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ
ગુજરાતમાં સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારના ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ દ્વારા યોજના પંચકમ્ અંતર્ગત પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે-
1. સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના: રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક સંસ્કૃત સપ્તાહ અને દિવસ ઉજવવાની પહેલ
2. સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના: વિવિધ સંસ્કૃત કાર્યક્રમો માટે સંસ્થાઓ, સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે નાણાકીય સહાય
3. સંસ્કૃત પ્રોત્સાહન યોજના: માધ્યમિક કક્ષાએ સંસ્કૃત માટે વિદ્યાર્થી, શિક્ષક અને શાળાઓને પ્રોત્સાહન
4. શ્રીમદ્ ભગવત્ ગીતા યોજના: ગ્રંથ ‘શ્રીમદ્ ભગવત્ ગીતા’થી અબાલ-વૃદ્ધ સૌ જીવન જીવવાની સાચી દિશા પર ચિંતન કરતા થાય અને ગીતા કંઠસ્થ કરે એ માટે પ્રોત્સાહન
5. શત સુભાષિત કંઠપાઠ યોજના: નૈતિક મૂલ્યોના સિંચન માટે 100 સુભાષિતો કંઠસ્થ કરવા માટે પ્રોત્સાહન
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘યોજના પંચકમ્’નું લક્ષ્ય સંસ્કૃત ભાષાનું જતન કરવાનો, તેની લોકપ્રિયતા વધારવાનો અને ભવિષ્યની પેઢીઓને રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો છે.
ટેક્નોલૉજી અને શિક્ષણના માધ્યમથી સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
સંસ્કૃત દિવસની ઉજવણી માટે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણકે, પ્રાચીન ભારતમાં શિક્ષણ સત્ર આ દિવસે શરૂ થયું હતું. આ દિવસે વિદ્યાર્થીઓ શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરતા હતા અને હાલમાં પણ વેદ અધ્યયનનો પ્રારંભ શ્રાવણી પૂર્ણિમાથી થાય છે. આ દિવસ ઋષિ-મુનિઓની પરંપરા અને વૈદિક જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃત દિન અને સંસ્કૃત સપ્તાહ એ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર આધુનિક સમયમાં ટેક્નોલૉજી અને શિક્ષણના માધ્યમથી સંસ્કૃતને વધુ લોકપ્રિય અને સુલભ બનાવવાના પ્રયાસો કરી રહી છે.