જુહાપુરામાં ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, યુવકની હત્યા કરી ૫ શખ્સો ફરાર

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે પાડોશીના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ૨૦ વર્ષના યુવકની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક સુફિયાનને આર્યન આરીફ ખલીફા અને અન્ય ચાર અજાણ્યા લોકોએ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. આ પાંચેય આરોપીઓ હાલ ફરાર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સુફિયાનના ઘર પાસે પાન મસાલા થૂંકતા સુફિયાનના પિતા સાથે તેમની બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આરોપીઓએ સુફિયાનના પિતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. પોતાના પિતાને બચાવવા માટે સુફિયાન વચ્ચે પડ્યો ત્યારે આરોપીઓએ તેના પર ચપ્પા વડે અનેક વાર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
ઘાયલ સુફિયાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુફિયાનના પિતાને પણ આ ઝપાઝપીમાં ઇજા થઈ હતી. આસપાસના પાડોશીઓ અને ત્યાંથી પસાર થતા લોકોએ ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોક્ટરોએ સુફિયાનને મૃત જાહેર કર્યો. સુફિયાનના પિતા હાલ સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાની તપાસ શરૂ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આરોપીઓ અને પીડિતો પાડોશી હતા. ઝઘડો શરૂઆતમાં પાન મસાલા થૂંકવા જેવી સામાન્ય બાબત પર થયો હતો, પરંતુ બંને પરિવારો વચ્ચેના જૂના તણાવને કારણે તે ઝડપથી હિંસક બન્યો.
પોલીસે આ કેસમાં આર્યન આરીફ ખલીફાની ઓળખ કરી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓની ઓળખ હજુ સુધી થઈ નથી. હત્યા અને હુમલાનો કેસ નોંધીને પોલીસે સાક્ષીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં અને આરોપીઓના સગા-સંબંધીઓના ઘરે તપાસ શરૂ કરી છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓ ઝડપાઈ જશે તેવું પોલીસ માની રહી છે. બીજી બાજુ આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.