ઝૂંપડામાં સુતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો, ૨ વર્ષના માસુમનો મૃતદેહ મળ્યો

(એજન્સી)તાલાલા, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામમાં એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે ઝૂંપડામાં સુતેલા ૨ વર્ષીય માસુમ બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.જે પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના ખોડિયારની ધાર પાસે આવેલા દેવીપૂજક સમાજની વસાહતમાં બની છે,
જ્યાં છેલ્લા ૩૫ વર્ષથી લોકો ઝૂંપડા બનાવીને રહે છે. મૃતક બાળકની ઓળખ રાજવીર ભુપતભાઈ સોલંકી તરીકે થઈ છે, જે માત્ર બે વર્ષનો હતો. ઘટનાની રાતે, આશરે રાત્રે ૧ વાગ્યાના સમયે દીપડાએ ખુલ્લા ઝૂંપડામાં સૂતા રાજવીર પર અચાનક હુમલો કર્યો અને તેને ઊંચકીને લઈ ગયો. દીપડાના હુમલાથી રાજવીરના પિતાની ઊંઘ તૂટી જતા તેમણે તરત જ દીપડા પાછળ દોડ લગાવી હતી.
દીપડો રાજવીરને આશરે ૫૦૦ મીટર દૂર આંબાની બાગ સુધી ખેંચી લઈ ગયો હતો. ત્યાંથી જ સ્થાનિક રહેવાસીઓએ બાળકના મૃતદેહને શોધી કાઢ્યો.બાળકને હોસ્પિટલ લઇ જતા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. દીપડાએ બાળકના ગળા પર ઘાતક ઇજા પહોંચાડી હતી.