ટેરિફની ધમકીઓ બાદ ભારતે ટ્રમ્પને અરીસો બતાવ્યો

‘અમેરિકા અને યુરોપ ખુદ રશિયા સાથે વેપાર કરે છે’
૨૦૨૪માં યુરોપીયન યુનિયનનો રશિયા સાથેનો કારોબાર ૬૭.૫ અબજ ડોલરનો હતો, જે ભારતના રશિયા સાથેના તે સમયના કુલ કારોબાર કરતાં પણ વધુ હતો
નવી દિલ્હી, રશિયન ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આપેલી ધમકીનો ભારતે મક્કમતાથી જવાબ આપતા જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપીયન યુનિયન ભારતને ખોટી રીતે લક્ષ્યાંક બનાવી રહ્યા છે. ભારતે જણાવ્યું હતું કે અમેરિકાએ પોતે જ તે સમયે ભારતને આ પ્રકારે રશિયામાંતી ઓઇલનો પુરવઠો વધારવા પ્રોત્સાહિત કર્યુ હતુ, જેથી વૈશ્વિક એનર્જી માર્કેટની સ્થિરતા જળવાઈ રહે. હવે આ જ અમેરિકા અને યુરોપીયન સંઘ બંને સસ્તા ઓઇલનો એકબાજુએ લાભ પણ લે છે અને બીજી બાજુએ ભારતને આ જ સસ્તુ ઓઇલ આયાત કરવા માટે પ્રોત્સાહન આપ્યા પછી હવે ભારતને રશિયા પાસેથી ઓઇલ આયાત કરવાની બંધ કરે છે.
જ્યારે ભારત આ આયાત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે. તેથી હવે જો અમેરિકા અને યુરોપીયન સંઘ ભારત પર રશિયા પાસેથી ઓઇલની આયાતના મુદ્દે ટેરિફ નાખશે તો તેનું નુકસાન ફક્ત ભારતને નહીં તેમને પણ થશે. તેની સાથે વૈશ્વિક એનર્જી સિક્યોરિટી પણ ભયમાં મૂકાશે. ભારતે જણાવ્યું હતું કે અમેરિકા એકબાજુ અમને ધમકી આપે છે, પરંતુ તે પોતે રશિયા સાથે કારોબાર કરે છે. તેમા પરમાણુ ઉદ્યોગ માટે હેક્સાફ્લુરોઇડ, ઇવી ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતર અને રસાયણોનો સમાવેશ થાય છે. જ્યારે ૨૦૨૪માં તો યુરોપીયન યુનિયનનો રશિયા સાથેનો કારોબાર ૬૭.૫ અબજ ડોલરનો હતો, જે ભારતના રશિયા સાથેના તે સમયના કુલ કારોબાર કરતાં પણ વધુ હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા બે સપ્તાહથી સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા ભારત પર ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરશે. નોંધનીય છે કે અગાઉ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્›થ સોશિયલ પર પોસ્ટ ધમકી આપતા કહ્યું છે, કે ‘ભારત રશિયાથી મોટા પ્રમાણમાં ઓઇલ તો ખરીદે જ છે પણ પછી તેમાંથી મોટો હિસ્સો ખુલ્લા બજારમાં વેચી નફો પણ કમાય છે.
રશિયાની યુદ્ધ મશીનમાં યુક્રેનના કેટલા લોકો મરી રહ્યા છે તેની ભારતને કોઈ ચિંતા નથી. તેથી હું ભારત પર લગાવવામાં આવતા ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરીશ.’ નોંધનીય છે કે ઘણા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી. જોકે અમેરિકાની શરતો પૂરી ન કરી શકવાના કારણે સમજૂતી થઈ શકી નહોતી. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી અમેરિકા જતાં સામાન પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત સાથે ભારતને ટોણો પણ માર્યાે હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં તેલના ભંડાર હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે બની શકે કે ભવિષ્યમાં ભારત પાકિસ્તાનથી ઓઇલ ખરીદે.
આ સિવાય ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું હતું. ટ્રમ્પે બળાપો કાઢતા કહ્યું હતું કે રશિયા અને ભારત તેમના મૃત અર્થતંત્રને હજુ તળિયે લઈ જાય, મને કોઈ ફરક નથી પડતો. વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે, કે ભારત રશિયાથી ઓઇલ ખરીદીને યુક્રેન વિરુદ્ધના યુદ્ધને ફંડિંગ કરી રહ્યું છે. મિલરે વધુમાં કહ્યું છે, કે ‘લોકોને જાણીને આશ્ચર્ય થશે કે ભારત ચીન જેટલું જ ઓઇલ રશિયા પાસેથી ખરીદે છે. ભારત ખુદને અમેરિકાનો મિત્ર ગણાવે છે પરંતુ અમારી પ્રોડક્ટ્સ ત્યાં વેચી શકાતી નથી કારણ કે ભારેખમ ટેરિફ લગાવવામાં આવે છે. ss1