Western Times News

Gujarati News

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે ? : સુપ્રીમ

બાંકે બિહારી મંદિર કમિટી અને સરકારના વિવાદની સુપ્રીમમાં સુનાવણી

ઉત્તર પ્રદેશ સરકારને મંદિરને લઇને વટહુકમ બહાર પાડવાની આટલી ઉતાવળ શું હતી? ઃ સુપ્રીમના સવાલ

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા બાંકે બિહારી મંદિરના સંચાલનને લઇને ટ્રસ્ટ અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને આકરો સવાલ કર્યાે હતો કે વટહુકમ બહાર પાડવાની આટલી ઉતાવળ કેમ હતી? સાથે જ સુપ્રીમની બેંચે એક નિવૃત જજની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવાના સંકેતો આપ્યા હતા.વૃંદાવનના પ્રખ્યાત શ્રી બાંકે બિહારી મંદિરના કોરિડોર માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તેને મંદિરના હાલના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

અરજદારોનો દાવો છે કે રાજ્ય સરકાર આ મંદિર પર કબજો કરવા માગે છે. અરજદારોના વકીલ શ્યામ દીવાને કહ્યું હતું કે બાંકે બિહારી મંદિર એક ખાનગી મંદિર છે, આ મંદિરના સંચાલનને લઇને બે જુથ વચ્ચે વિવાદ હતો, રાજ્ય સરકારે કોઇ પણ પ્રકારના અધિકાર વગર દખલ દીધી હતી. અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી સરકાર લાવી બાદમાં કોરિડોર માટે મંદિરના ફંડનો ઉપયોગ કરવાનો આદેશ મેળવી લીધો. જે બાદ ઉતાવળમાં વટહુકમ પણ બહાર પાડી દીધો.જેને પગલે મંદિરની સ્થાપના કરનારા અને વર્ષાેથી તેને સંભાળી રહેલા ગોસ્વામી મેનેજમેન્ટથી બહાર થઇ ગયા.

શરૂઆતમાં સુપ્રીમના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેંચે મંદિર કમિટીને કેટલાક આકરા સવાલો પણ કર્યા હતા, કોર્ટે કહ્યું હતું કે મંદિર ખાનગી હોઇ શકે પરંતુ ભગવાન સૌના છે, અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે, મંદિરનું ફન્ડ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા સાથે જોડાયેલા વિકાસમાં કેમ ઉપયોગમાં ના લઇ શકાય? તમે કેમ ઇચ્છો છો કે મંદિરનું બધુ જ ફંડ તમારા ખિસ્સામાં જ જાય? હાલમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને મંદિરના ટ્રસ્ટ વચ્ચેના વિવાદના નિકાલ માટે એક કમિટીની રચના કરી છે જેમાં કલેક્ટર અને અન્યોને સભ્ય બનાવવામાં આવશે. જેમાં આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને પણ સામેલ કરવા પ્રસ્તાવ મુક્યો હતો. હવે આ મામલે પાંચ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.