અમેરિકાના વિઝાની અરજી સાથે ૧૫,૦૦૦ ડોલરના બોન્ડ આપવા પડશે

ટ્રમ્પના ઈશારે અમેરિકન વિદેશ વિભાગ એક પછી એક નવા નિયમોની જાહેરાત કરી
દેશમાં વિદેશી નાગરિકોના ધસારાને નિયંત્રિત કરવા પ્રયાસ કરી રહ્યો છે
વોશિંગ્ટન, અમેરિકામાં બીજી વખત સત્તાનું સુકાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી ઈમિગ્રેશન નીતિ અમલી બનાવી છે. ટ્રમ્પના ઈશારે અમેરિકન વિદેશ વિભાગ એક પછી એક નવા નિયમોની જાહેરાત કરી દેશમાં વિદેશીઓ નાગરિકોના ધસારાને નિયંત્રિત કરવા પ્રયાસ કરી રહ્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે વિદેશ વિભાગે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યાે છે, જે અનુસાર, અમેરિકાના બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા માટે અરજી કરનારાઓએ હવે ૧૫,૦૦૦ ડોલર સુધીના બોન્ડ આપવા પડશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો તેનાથી અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને મોટો ફટકો પડશે.
ફેડરલ રજિસ્ટરમાં આ સંદર્ભે પ્રકાશિત એક નોટિસમાં વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, તે ૧૨ મહિના માટે એક પાયલટ કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જે દેશોનું ઓવરસ્ટેનું પ્રમાણ વધારે છે તથા જે દેશોમાં આંતરીક દસ્તાવેજની સુરક્ષા માટેની પૂરતી વ્યવસ્થા નથી તેવા દેશોના અરજદારોએ વિઝા અરજી કરવા માટે ૫,૦૦૦, ૧૦,૦૦૦ અથવા ૧૫,૦૦૦ ડોલરના બોન્ડ આપવાના રહેશે. નોટિસમાં વધુમાં જણાવ્યાં અનુસાર, આ પાયલટ કાર્યક્રમ તેની ઔપચારિક જાહેરાતના ૧૫ દિવસમાં અમલી બનશે.
આ કાર્યક્રમ અમલી બનાવવાનો હેતુ, એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ વિદેશી મુલાકાતી તેના વિઝાના નિયમોનું પાલન ના કરે તો તેના માટે અમેરિકાની સરકાર નાણાકીય રીતે જવાબદાર નહીં ગણાય. નોટિસમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, જે દેશોનું વિઝા ઓવરસ્ટેનું પ્રમાણ ઊંચુ છે, જે દેશોમાં માહિતીની ચકાસણીની વ્યવસ્થા અપૂરતી છે અથવા જે દેશો રોકાણના બદલામાં નાગરિકત્વ આપે છે, તેવા દેશોના નાગરિકોની અરજીઓ આ પાયલટ પ્રોગ્રામ હેઠળ આવરી લેવાઈ શકે છે. ss1