Western Times News

Gujarati News

મહેસાણા અર્બન બેન્કમાં સત્તા બદલાઈ વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય થયો

આખી પેનલે ૧૧ હજારથી વધુની લીડ મેળવી

ગુજરાત તેમજ મુંબઈમાં મળી કુલ ૫૮ શાખાઓ ધરાવતી બેન્કની ચૂંટણી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો હતો

મહેસાણા,રાજ્યમાં બીજા ક્રમની સહકારી અને મલ્ટીસ્ટેટ શિડ્યુલ્ડ બેન્કનો દરજ્જો ધરાવતી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિ.ના ૮ ડિરેક્ટરો માટેની પેટાચૂંટણીમાં વિકાસ પેનલને પછાડીને વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારોનો ૧૧ હજારથી વધુ મતથી ભવ્ય વિજય થતાં ઈતિહાસમાં પ્રથમવાર બેન્કની સત્તામાં પરિવર્તન આવ્યું છે.ગુજરાત તેમજ મુંબઈમાં મળી કુલ ૫૮ શાખાઓ ધરાવતી બેન્કની ચૂંટણી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો હતો અને ૬ સામાન્ય, એક મહિલા અને એક SC-ST કેટેગરીની એમ કુલ ૮ બેઠકો માટે કુલ ૬૯ જણાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ છેવટે ૨૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

જેમાં બેન્કના સ્થાપક ચેરમેન વિમલ ગ્›પના ચંદુભાઈ પટેલની વિકાસ પેનલની સામે લાંબા સમયથી લડત આપી રહેલા ડી.એમ.પટેલ અને એપોલો ગ્›પના આનંદભાઈ પટેલે વિશ્વાસ પેનલ મેદાનમાં ઉતારી હતી. તો એક ત્રીજી પેનલ પણ ચૂંટણીના જંગમાં ઉતરી હતી. મુખ્ય બંને પેનલોએ વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને ૧,૦૭,૭૬૨ સભાસદ મતદારો પૈકી રવિવારે ૪૯,૪૫૯ મતદારોએ મતદાન કરતાં ૪૫.૯૦ ટકા મતદાન નોંધાયું હતું.

પ્રતિષ્ઠાના જંગ સમી ચૂંટણી પર સૌની નજર હતી ત્યારે સોમવારે યોજાયેલી મતગણતરીમાં શરૂઆતથી જ વિજય તરફ આગળ વધી રહેલી વિશ્વાસ પેનલના ઉમેદવારોની લીડ સતત વધવા સાથે ત્રણ રાઉન્ડના અંતે ૧૧ હજાર જેટલી જંગી લીડ સાથે વિશ્વાસ પેનલનો વિજય થયો હતો. ભવ્ય વિજયને વધાવવા મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને વિજય સરઘસ કાઢ્યું હતું. હાલમાં બેન્કના ૯ ડિરેક્ટરો પૈકી ૬ વિશ્વાસ પેનલના સમર્થકો છે ત્યારે વધુ ૮ ઉમેદવારો વિજયી બનતાં બેન્કમાં વિશ્વાસ પેનલની સત્તા નિશ્ચિત થઈ છે.

જે સાથે બેન્કની સત્તામાં ૪૨ વર્ષ બાદ પરિવર્તન આવ્યું છે.ભવ્ય વિજયનો શ્રેય સમર્થકોની મહેનત અને સભાસદોએ મુકેલા વિશ્વસને આપતાં ડી.એમ.પટેલ, આનંદભાઈ પટેલ સહિતે બેન્કનો પારદર્શક વહીવટ કરીને બેન્કને સફળતાની નવી ઉંચાઈ પર લઈ જવાની નેમ વ્યક્ત કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.