વડોદરાના જરૂરી સામાનની ખરીદી કૌભાંડમાં આરોગ્ય અધિકારી, ફાયરબ્રિગેડ ચીફ સહિત ૩ સસ્પેન્ડ

૩.૧૭ કરોડની ખરીદીમાં પાલિકાએ સામાનના દસ ગણાં વધુ ભાવ ચૂકવાતા કમિશનરે આપ્યા હતા તપાસના આદેશ
આણંદ, વડોદરા મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં જરૂરી સામાનની ખરીદી કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગની વસ્તુઓની બજાર કિંમત કરતા ૧૦ ગણા વધુ ભાવની ચૂકવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બજારમાં રૂપિયા ૨૮૦માં મળતી ઇમર્જન્સી વ્હીસલ (સિસોટી) ના રૂ. ૩,૨૩૮ ચૂકવાયા હોવાનું સામે આવ્યુ હતુ. સિસોટી, ચપ્પુ, પાણીની બોટલ અને મચ્છરદાની વગેરેની ૩.૧૭ કરોડની ખરીદીમાં એક સુનિયોજિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની બહાર આવેલી વિગતોના આધારે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
આ તપાસના પ્રાથમિક અહેવાલના આધારે તત્કાલીન વિભાગીય વડા તથા પાલિકાના આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલ, ફાયર બ્રિગેડ ચીફ મનોજ પાટીલ તથા ડે. ફાયર બ્રિગેડ ચીફ નૈતિક ભટ્ટને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વડોદરા મનપા દ્વારા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનરની હાજરીમાં ચોમાસા ટાણે તંત્રની તૈયારીઓ દર્શાવતું પ્રદર્શનનું આયોજન કરાયુ હતું. જેમાં ત્રણેય વિભાગ સંયુક્ત રીતે પૂર અથવા આફત સમયે કેવી રીતે લોકોની મદદ કરી શકે, તે અંગેના સાધનો દર્શાવાયા હતા.
સાથે જ ત્રણેય વિભાગોને સજ્જ કરાયા હતા. આ પ્રદર્શનમાં મુકાયેલા કેટલાક સાધનો નવા હતા. જેને બજાર કરતા ઉંચા ભાવે ખરીદાયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ માટે કરવામાં આવેલી રૂ. ૩.૧૭ ની ખરીદી બાબતે કેટલાક આક્ષેપ થવા લાગ્યા હતા.પાલિકા દ્વારા ઇમર્જન્સી વ્હીસલ (સિસોટી) ના રૂ. ૩,૨૩૮ ચૂકવ્યા છે, જ્યારે તેનો બજાર ભાવ રૂ. ૨૮૦ છે. બીજી તરફ પાલિકાએ પાણીના બોટલ માટે રૂ. ૩૬૩૯ ચૂકવ્યા છે, જ્યારે તેની બજાર કિંમત રૂ. ૧૪૦૦ છે.
પાલિકાએ પોકેટ નાઇફના રૂ. ૩૬૩૯ ચૂકવ્યા છે, જ્યારે તેની બજાર કિંમત રૂ. ૨૭૫ છે. આવી જ રીતે એલઈડી ટોર્ચ, સોલાર પેનલ, સેફ્ટી ગ્લવ્ઝ, ગેસ લાઇટર, સેફ્ટી હેલમેટ, મલ્ટી પર્પઝ ટૂલ, ટૂલકીટની ખરીદી ઉંચા ભાવે કરાઈ હોવાથી પાલિકાની લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અંતે મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા.
પ્રાથમિક અહેવાલ આવતાંની સાથે કસૂરવાર મનાતા તત્કાલીન વિભાગીય વડા તથા મનપાના આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલ, ફાયર વિભાગના વિવાદાસ્પદ વડા મનોજ પાટીલ તથા ફાયર બ્રિગેડના ડે. ચીફ નૈતીક ભટ્ટને તત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.ss1