મહેસાણા દૂધસાગર ડેરીના પશુપાલકોને ઐતિહાસિક ૪૩૭ કરોડ ભાવફેર મળશે

મંડળીઓને ૧૦ ટકા ડિવિડન્ડ પણ અપાશે
પશુપાલકોને ચાફકટર, પશુ ઘોડી, કુલિંગ ફુવારા વગેરેમાં મળતી સબસીડી ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરાઈ
મહેસણા, મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (દૂધસાગર ડેરી)ની સોમવારે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન અશોકભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદકોને વર્ષાતે મળતા દૂધના ભાવફેરની રકમ ઐતિહાસિક રૂ.૪૩૭ કરોડ જાહેર કરી હતી. જે સાથે દૂધ મંડળીઓને ૧૦ ટકા શેર ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી.
મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (દૂધસાગર ડેરી)ની સોમવારે મળેલી વાર્ષિક સાધારણમાં જાહેરાત કરાઇ હતી કે પશુપાલકોને ચાફકટર, પશુ ઘોડી, કુલિંગ ફુવારા વગેરેમાં મળતી સબસીડી ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરાઈ છે. તો દૂધ ઉત્પાદકોના વીમાની રકમ મૃત્યુના કેસમાં રૂ. ૨ લાખ રૂપિયાથી વધારીને રૂ.૪ લાખ કરાઈ છે.
ચેરમેને વધુમાં જણાવ્યું કે, સાડા ચાર વર્ષમાં ડેરીમાં જરૂરી મિલકતો વસાવી, દૂધના ભાવ અને સારો વધારો આપ્યો છે છતાં બેલેન્સ શીટ તંદુરસ્ત બની છે. વિવિધ નિર્ણયોથી પશુપાલકોને થયેલા ફાયદા અંગે વાત કરીને તેમણે ૬૪ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ટર્નઓવર રૂ.૮૦૫૪ કરોડ, સૌથી વધુ દૂધ સંપાદન ૧૨૭.૩૩ કરોડ, સૌથી વધુ ભાવ રૂ.૮૩૦ કરોડ સહિત નવા કીર્તિમાનની વાત કરી સાચા અર્થમાં ડેરીનું નવસર્જન થયું હોવાનું કહ્યું હતું.ss1