ઘરના પગથિયે પાનની પિચકારી મારતા ઝઘડો થયો, યુવકને છરી મારી ઢાળી દીધો

પ્રતિકાત્મક
વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગેંગ વોર અને ગુનાખોરી યથાવત
વેજલપુર પોલીસે કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો
તાહીર ખલીફા, તારીક ખલીફા,અયાન ખલીફા, શાહરૂખ ખલીફા, અકરમ મણીયારની ધરપકડ
અમદાવાદ, વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી વધી રહી છે. આ વિસ્તારના ગુનેગારોને સ્થાનિક પોલીસનું પીઠબળ હોવાની ચર્ચા છે તેવામાં જુહાપુરામાં હત્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. જુહાપુરાના સંકલિતનગરમાં ઘરના પગથિયા આગળ પાનની પિચકારી મારવા બાબતે પાડોશીઓ વચ્ચે તકરાર બાદ મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ૧૯ વર્ષીય યુવકને ઉપરાઉપરી છરી ઝીંકી ઢાળી દીધો હતો.
વેજલપુર પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે. જુહાપુરામાં રહેતા મોહમંદસફી શેખ અને તેમનો ૧૯ વર્ષીય પુત્ર સુફિયાન ત્રણ દરવાજા ખાતે કપડાંનો વેપાર કરે છે. ગત રવિવારે મોડી રાત્રે તેમના ઘરની બહાર ઝઘડો થતો હતો. ત્યાં જઇને તપાસ કરી ત્યારે મોહમદસફીના બનેવી મોહમદ હમઝા શેખ સાથે તેમની પાડોશમાં રહેતા લોકો તકરાર કરી રહ્યા હતા.
પાડોશમાં રહેતા આરીફ ખલીફાનો દીકરો તાહીર, તારીક અને અયાન તથા સાઢુ અકરમ મણીયાર, સાળો શાહરૂખ ખલીફા અને તેની ભાભી કબ્બસુમ ઉર્ફે ફિરદોસ ઝઘડો કરતા હતા. મોહમદસફીએ તેમના બનેવી મોહમદ હમઝાને ઝઘડાનું કારણ પૂછતા તેણે જણાવ્યું કે આરીફનો સાઢુ અકરમ તેમના ઘરના પગથિયા આગળ પાનની પિચકારી મારતા તેને ઠપકો આપતા બોલાચાલી થઇ હતી. જેથી આરીફના ત્રણેય સંતાનો શાહરૂખ, અકરમ અને ફિરદોસબાનુને ઝઘડો ન કરવા જણાવતા તે લોકો ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરી હતી.
મામલો બિચકતા ૧૯ વર્ષીય સુફિયાન સહિતના પરિવારજનો બહાર દોડી આવ્યા ત્યારે શાહરૂખ અને ફિરદોસ ઘરમાંથી છરી લઇ આવો, આજે આમને મારી જ નાખવાના છે તેવી બૂમાબૂમ કરતા આરીફ, તારીક અને શાહરૂખ છરી લઇ આવ્યા હતા. અકરમ અને અયાને સુફિયાનને પકડી રાખતા તાહીરે છાતી અને પેટના ભાગે છરીના ત્રણ ઘા મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
ઇજાગ્રસ્ત સુફિયાનને એસવીપી હોસ્પિટલ ખસેડ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાે હતો. વેજલપુર પોલીસે કુલ છ લોકો સામે ગુનો નોંધી તાહીર ખલીફા, તારીક ખલીફા, અયાન ખલીફા, શાહરૂખ ખલીફા, અકરમ મણીયારની ધરપકડ કરી છે. પોલીસે ફરાર આરોપી તબ્બસુમ ઉર્ફે ફિરદોસ ખલીફાની શોધખોળ હાથ ધરી છે. આ જ ઘટનાને લઇને શબનમ ઉર્ફે રાની ખલીફાએ મોહમદ હમઝા શેખ અને તેના પુત્ર મહોમદ જુનેદ ઉર્ફે લાલા શેખ સામે મારામારી અને છરી મારવા બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ss1