ધનુષે AI દ્વારા બદલાયેલા ‘રાંઝણા’ના અંતની નિંદા કરી

ધનુષે દાવો કર્યાે કે મારા સ્પષ્ટ વાંધા છતાં તેઓ આગળ વધ્યા
ધનુષે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે નવું વર્ઝન ફિલ્મના આત્માને છીનવી લે છે, જ્યારે આનંદ એલ રાયે તેને વિશ્વાસઘાત ગણાવ્યો છે
મુંબઈ, ધનુષ અને દિગ્દર્શક આનંદ એલ રાયે તેમની ફિલ્મ ‘રાંઝણા’ ના અંતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બદલ્યા પછી અનધિકૃત રીતે ફરીથી રિલીઝ કરવાની સખત નિંદા કરી છે. ધનુષે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે નવું વર્ઝન ફિલ્મના આત્માને છીનવી લે છે, જ્યારે આનંદ એલ રાયે તેને વિશ્વાસઘાત ગણાવ્યો છે. આ ઘટનાએ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સર્જનાત્મક મુલ્યો પર એઆઈના પ્રભાવ અંગે ચિંતા ફેલાવી છે, જેના કારણે કડક નિયમોની માંગણી કરવામાં આવી છે.
સુપરસ્ટાર ધનુષે ૨૦૧૩માં આવેલી તેમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘રાંઝણા’ના અનધિકૃત રીરિલીઝ સામે ભારે વિરોધ વ્યક્ત કર્યાે છે, જેમાં એઆઈનો ઉપયોગ કરીને ફરીથી કલ્પના કરાયેલ અંતને બદલવામાં આવ્યો છે. આ હેપ્પી એન્ડિંગ વર્ઝનને નિર્માતાઓની જાણકારી કે સંમતિ વિના રિલીઝ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે અને તેના કારણે તેનો ઘણો વિરોધ થઈ રહ્યો છે.દિગ્દર્શક આનંદ એલ રાયે આ બાબતે પોતાનો વિરોધ પ્રગટ કર્યા પછી, મુખ્ય અભિનેતા ધનુષે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એઆઈના ઉપયોગ અંગે પોતાની અસંમતિ વ્યક્ત કરી છે.
એક કડક શબ્દોમાં લખેલી નોંધમાં, તેણે લખ્યું, “એઆઈથી બદલાયેલ ક્લાઇમેક્સ સાથે રાંઝણાની ફરીથી રિલીઝથી મને સંપૂર્ણપણે ખલેલ પહોંચી છે. આ વૈકલ્પિક અંતથી ફિલ્મનો આત્મા છીનવાઈ ગયો છે અને આ કામ સાથે સંકળાયેલાં લોકોએ મારો સ્પષ્ટ વાંધો હોવા છતાં આ કામને આગળ વધાર્યું. આ એ ફિલ્મ નથી જે મેં ૧૨ વર્ષ પહેલાં કરી હતી.”સિનેમાના ભવિષ્ય માટે પોતાની ચિંતા વ્યક્ત કરતા, તેણે ફિલ્મોમાં AIના ઉપયોગ પર કડક નિયમો બનાવવાનો આગ્રહ કર્યાે છે.
તેણે લખ્યું, “ફિલ્મો અથવા સામગ્રીમાં ફેરફાર કરવા માટે AIનો ઉપયોગ કલા અને કલાકારો બંને માટે ખૂબ જ ચિંતાજનક ઉદાહરણ છે. તે વાર્તા કહેવા પાછળના સિદ્ધાંતો અને સિનેમાના વારસા સામે એક પડકાર છે. મને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં આવા કામને રોકવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવશે.”જ્યારે દિગ્દર્શક રાયે પણ એક કડક શબ્દોમાં નિવેદન બહાર પાડ્યું, જેમાં છેલ્લા કેટલાક અઠવાડિયાને “અવાસ્તવિક અને ખૂબ જ અસ્વસ્થ” ગણાવ્યા. તેમણે કહ્યું કે ફિલ્મ “મારી જાણ કે સંમતિ વિના બદલાઈ, ફરીથી પેક કરવામાં આવી અને ફરીથી રિલીઝ કરવામાં આવી” આનંદ એલ રાયે એવું પણ કહ્યું કે આ બાબત બિલકુલ ભાંગી નાખે એવી છે.ss1