Western Times News

Gujarati News

કેશોદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

File Photo

કેશોદ એરપોર્ટ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર

૫ ઓગસ્ટ૨૦૨૫: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ મોટા AB-320 પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને ૨૫૦૦ મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. AAI એ અંદાજિત રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલે ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી.

મંત્રીના નિવેદન મુજબ, રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી ૨૦૨૭ છે.

AAI એ અંદાજિત કુલ રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ પણ હાથ ધર્યું છે, જેમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ શામેલ છે. ૬,૫૦૦ ચોરસ મીટરનું નવું ટર્મિનલ બિલ્ડિંગ એક સાથે ૪૦૦ આગમન અને ૪૦૦ નિર્ગમન કરતા મુસાફરોની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર કરવામાં આવશે.

નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વર્ક ઓર્ડર આપવાની તારીખથી ૧૫ મહિનાની છે. બંને પ્રોજેક્ટ માટે પૂર્ણ થવાની સમયમર્યાદા જમીન સંપાદન, ફરજિયાત મંજૂરીઓની ઉપલબ્ધતા, ફાઇનાન્સિઅલ ક્લોઝર વગેરે જેવા ઘણાં પરિબળો પર આધાર રાખે છે.

કેશોદ એરપોર્ટ પર ચાલી રહેલા વિસ્તરણના મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “કેશોદ એરપોર્ટને મોટા બોડીવાળા વિમાનોના સંચાલન માટે અપગ્રેડ કરવાથી, વિશ્વભરના વન્યજીવ ઉત્સાહીઓ માટે વિશ્વમાં એકમાત્ર જગ્યાએ વસવાટ કરતા એશિયાટિક સિંહોને જોવા માટે ગીર નેશનલ પાર્કની મુસાફરી કરવી સરળ બનશે. આ ઉપરાંત, સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને કેશોદ એરપોર્ટ ભારત તેમજ વિદેશથી આવતા ભગવાન શિવના ભક્તોને આ પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવામાં ઘણી સરળતા કરી આપશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.