ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યુંઃ ધારાલી ગામમાં કાદવ અને પાણી ઘૂસ્યા

ધારાલી (ઉત્તરકાશી) નજીક વાદળ ફાટતાં ભારે વિનાશ, ભારતીય સેના બચાવ કામગીરીમાં સક્રિય
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના હર્સિલ નજીક ધારાલી વિસ્તારમાં વાદળ ફાટવાની ગંભીર ઘટના બની છે, જેના પરિણામે આખું ગામ પાણીમાં વહી જતું જોવા મળ્યું. ભારતીય સેના તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી છે.
ખીરગાધ નદીને કારણે પાણીનું સ્તર અચાનક વધી ગયું અને ગામના ઘણા લોકો ગાયબ થઈ ગયા હોવાની શંકા છે.
ભારતીય સેનાના સૂર્ય કમાન્ડે “X” પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે હર્સિલ નજીક ખીર ગાધ વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયું છે, જેના કારણે ધોધ અને મોડીનું પ્રવાહ જોરદાર બનતાં ધરાળી ગામ તબાહ થયું છે. આઇબેક્સ બ્રિગેડના સૈનિકોને તરત જ મોકલવામાં આવ્યા છે, જે હાલ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને બચાવ કાર્ય હાથ ધરી રહ્યા છે.
પોલીસ, ફાયર વિભાગ, રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF) અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF) પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
સેનાએ જણાવ્યું કે નુકસાનની સંપૂર્ણ હદ હજુ નક્કી થવાની બાકી છે અને રાહત કામગીરી ચાલુ છે. “આ કુદરતી આફતમાં અમે નાગરિકોના સંપૂર્ણ સમર્થનમાં છીએ,” એમ સેના તરફથી કહેવામાં આવ્યું.
ધારાલી નજીકના બજાર વિસ્તારમાં વિશાળ નુકસાન થયું છે અને પાણીના તીવ્ર પ્રવાહથી અનેક હોટેલ અને હોમસ્ટે નદીમાં વહી ગયાની વિગતો સામે આવી છે. સમગ્ર બજાર વિસ્તાર તબાહ થયો છે અને ગંગોત્રી ધામ સાથેનો માર્ગ સંપર્ક પણ સંપૂર્ણપણે તૂટી પડ્યો છે.
જૂઓ વિડીયો
View this post on Instagram
અધિકારીઓએ સ્થાનિક લોકોને નદીથી દૂર રહેવાની અને બાળકો તથા પશુઓની સુરક્ષા માટે ખાસ કાળજી રાખવાની અપીલ કરી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ધારાલી (ઉત્તરકાશી) વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે થયેલ વિનાશની ખબર અત્યંત દુઃખદાયક છે. SDRF, NDRF અને વહીવટી તંત્રની ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.”
તેમણે જણાવ્યું કે તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે. “હું બધાની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું,” એમ તેમણે ઉમેર્યું. હજુ સુધી જાનહાનિ અંગે સત્તાવાર પુષ્ટિ થયેલી નથી, પરંતુ ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે.