ગુજરાત UCCનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે

યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ મહત્વની બેઠક
ગાંધીનગર,યુસીસીને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે ચર્ચા થઈ હતી.
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા અંગે મહત્વની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુસીસીની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા કરાવામાં આવી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રએ માહિતી મેળવી હતી. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ છે.
જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. આટલું જ નહીં તેમના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાયેલી છે. તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1970માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરનાર રંજના દેસાઈનું પૂરું નામ રંજના પ્રકાશ દેસાઈ છે. તેઓ મહારાષ્ટ્રથી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા રંજના દેસાઈ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા.
પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના પિતા એસ.જી સામંત ક્રિમિનલ વકીલ હતા. 30 ઓક્ટોબર 1949ના રોજ જન્મેલા રંજના દેસાઈએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી 1970માં તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ 1973માં મુંબઈની સરકારી લૉ કોલેજમાંથી LLBનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ પછી તેઓને એપ્રિલ 1996માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાત યુસીસીના અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે, યુસીસી રિપોર્ટ ૧ મહિનામાં સોંપવામાં આવશે. ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપતા હજુ ૧ મહિનાનો સમય લાગશે. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. તેમજ અલગ અલગ જગ્યાઓ પર યુસીસીએ લોકોને સાંભળ્યા છે. અમારે હવે વધુ એક્ટેન્શનની જરૂર નથી.
યુસીસીને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યુસીસીની બેઠક મળી હતી. ૧ મહિનામાં યુસીસી રિપોર્ટ સોંપવામાં આવશે. તેમજ ૧.૧૫ લાખ જેટલી રજૂઆત યુસીસી એ સાંભળી છે. મુખ્યમંત્રી સાથે UCCની બેઠક થઈ છે.યુસીસીની કમિટીમાં રંજના દેસાઈ, સી.એલ.મીણા, આર.સી.કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફની નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે દિવસ પહેલાં જ દિલ્હીની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંધબારણે ચર્ચા કરી હતી. જેના પરિણામે રાજકીય માહોલ ગરમાયો હતો.
રાજકીય પંડિતોના માનવાનુસાર આ બેઠકમાં યુસીસીનો મુદ્દો પણ ચર્ચાયો હોવો જોઈએ જેના પરિણામે તેના અમલ અંગે ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે અને આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી સાથે અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ મુખ્યમંત્રીએ ચર્ચા કરી છે. જો કે, તે અંગે હજુ સુધી કશું જાણવા મળ્યું નથી.