Western Times News

Gujarati News

‘અભિરક્ષક’ બનીને વહારે આવશે અકસ્માત બાદ પોલીસ

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વાહન ખરીદ્યાં છે. જેને એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તહેનાત કરાશે.

અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે, જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનની અંદર ફસાઈ ગઈ હોય. આધુનિક અભિરક્ષક વાહનમાં ઓક્સિજનનો બાટલો ઉપરાંત ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઈક્વિપમેન્ટ્‌સ મૂકવામાં આવ્યા છે.

જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઈટ લિફ્‌ટ કરી શકે તેવી વીંચ જેવા ખાસ પ્રકારના સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઈટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઈટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે. આ વાહનની બોડી તેમજ એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે.

અભિરક્ષક એક એવી પહેલ છે જે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તહેનાત કરવાનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.