મહિલાની ચાલુ ડિલીવરીના ઓપરેશનમાંથી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી

AI Image
છેલ્લા કેટલાય દાયકાથી સિલચરમાં બે ખાનગી હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે કામ કરી રહ્યો હતો
નવી દિલ્હી, આસામના સિલચરમાં એક ડોક્ટર સર્જરી કરી રહ્યા હતા. ત્યારે પોલીસની એક ટીમ ઓપરેશન થિયેટરમાં ઘૂસી ગઈ અને આ ડોક્ટરને ઉઠાવીને લઈ ગઈ. તેને જેલમાં ધકેલી દીધો. હકીકતમાં આ સમગ્ર મામલો મુન્નાભાઈ ટાઈપ ડોક્ટર સાથે જોડાયેલો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નકલી ડોક્ટર પુલક માલાકાર છેલ્લા કેટલાય દાયકાથી સિલચરમાં બે ખાનગી હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે કામ કરી રહ્યો હતો. માલાકારે લગભગ ૫૦ સિઝેરિયન સેક્શન અને અન્ય સ્ત્રી રોગ સંબંધી સર્જરી કરી હતી. પોલીસે તેને તે સમયે ઉઠાવી લીધો, જ્યારે તે શિવસુંદરી નારી શિક્ષણ સેવા આશ્રમ હોસ્પિટલમાં એક સિઝેરિયન સર્જરી કરી રહ્યો હતો.
કાચારના સિનિયર પોલીસ અધિકારી નુમાલ મહત્તાએ જણાવ્યું છે કે અમને માલાકાર વિશે સૂચના મળી હતી. જે બાદ અમે તપાસ શરુ કરી. તેના તમામ દસ્તાવેજની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના મેડિકલ સર્ટિફિકેટ નકલી છે.
તે કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વિના વર્ષોથી આ ધંધો કરતો હતો. માલાકાર આસામના શ્રીભૂમનો રહેવાસી છે. અરેસ્ટ કરી પોલીસે સોમવારે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં તેને પાંચ દિવસની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે તેના વિરુદ્ધ બીએનએસની કલમ ૪૧૯, ૪૨૦ અને ૩૩૬ અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે.
આ ધરપકડ આસામ સરકારની નકલી ડોક્ટર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનનો ભાગ છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં જાન્યુઆરી ૨૦૨૫માં તેની શરુઆત કરી. જે રાજ્ય પોલીસ સાથે મળીને નકલી ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરે છે. આ એકમે અત્યાર સુધીમાં ૧૦ કેસમાં કાર્યવાહી કરી છે. જેમાં માલાકાર ૫૦મો નકલી ડોક્ટર ઝડપાયો છે.