સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન થાય તેવા ઉદ્દેશથી યાત્રાનું આયોજન

અમદાવાદ ખાતે વિશ્વ સંસ્કૃત દિનના અનુસંધાને ‘સંસ્કૃત ગૌરવ યાત્રા‘ યોજાશે
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય) દ્વારા આયોજન
આવતીકાલે તા.૬ ઓગસ્ટે સવારે ૭ વાગ્યે પ્રભાત ચોકથી યાત્રાનું પ્રસ્થાન થશે
સંસ્કૃત યાત્રાની સાથે દેશનું ગૌરવ વધારતી તિરંગા યાત્રાને પણ સાંકળવામાં આવશે
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સમગ્ર રાજ્યમાં તા.૬થી ૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
જે અંતર્ગત અમદાવાદ ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય) દ્વારા ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં આવતીકાલ તા.૬ના રોજ સવારે ૭ વાગ્યે પ્રભાત ચોક ખાતેથી સંસ્કૃત યાત્રાનું પ્રસ્થાન થશે.
આ યાત્રા થકી સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિનું ગૌરવ કરતી સંસ્કૃત યાત્રામાં જ દેશનું ગૌરવ વધારતી તિરંગા યાત્રાને પણ સાંકળવામાં આવશે. આ યાત્રામાં તિરંગાની થીમ પર સેલ્ફી પોઇન્ટ મૂકવાનું પણ આયોજન કરવામાં આવશે.