Western Times News

Gujarati News

અમેરિકાનું બેવડું વલણ, દેશહિતમાં જરૂરી પગલાં લઈશુંઃ ભારત

૨૪ કલાકમાં જ ભારત પર ટેરિફ વધારો ઝીંકાશેઃ ટ્રમ્પની ચીમકી

અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો બિઝનેસ કરે છે, કારણ કે ભારતમાં ટેરિફ વધુ છે, જ્યારે ભારત ઘણો બિઝનેસ અમેરિકા સાથે કરે છે

ન્યૂયોર્ક ઼ મોસ્કો,એક સમયે ભારતના જિગરજાન દોસ્ત કહેવાતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે જાની દુશ્મન જેવો વ્યવહાર શરૂ કરી દીધો છે. આગામી ૨૪ કલાકમાં ભારત પર આકરો ટેરિફ વધારો ઝીંકવાની ચીમકી ટ્રમ્પે આપી દીધી છે. માથા ફરેલા ટ્રમ્પ બોલીને ફરી જવા માટે અને અણધાર્યા આંચકા આપવા માટે જાણીતા છે. ટ્રમ્પનું માનવું છે કે ભારત સારું ટ્રેડિંગ પાર્ટનર નથી.

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદતું હોવાનું કારણ આપીને ટ્રમ્પે ટેરિફ વધારો ઝીંકવાની ચીમકી આપી દીધી છે. સીએનબીસી સાથે ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, સૌથી વધુ ટેરિફ ધરાવતો દેશ ભારત છે અને લોકોને ભારત વિષે આ વાત કહેવાનું ગમતું નથી. અન્ય કોઈ પણ દેશ કરતાં વધારે ટેરિફ છે. અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો બિઝનેસ કરે છે, કારણ કે ભારતમાં ટેરિફ વધુ છે, જ્યારે ભારત ઘણો બિઝનેસ અમેરિકા સાથે કરે છે. જેથી ભારત સારું ટ્રેડિંગ પાર્ટનર નથી અને તેથી ભારત સાથે બિઝનેસ કરવાની અમેરિકાની કોઈ ઈચ્છા નથી.

ટ્રમ્પે વધુમાં કહ્યુ હતું કે, ભારત માટે ૨૫ ટેરિફનો દર રાખ્યો છે, પરંતુ આગામી ૨૪ કલાકમાં આ દરમાં ઘણો વધારો કરવાની મારી ઈચ્છા છે. ભારત ઓઈલ મામલે જે કરી રહ્યું છે તે અયોગ્ય છે. રશિયા પાસેથી જંગી ઓઈલ ખરીદ્યા પછી ભારત તેને તોતિંગ નફા સાથે વેચી રહ્યું છે, જે અયોગ્ય છે. ટ્રમ્પે કરેલી ટીકાને ભારતે નકારી કાઢી છે અને આ મામલે બેવડા વલણ રાખવાનો વળતો આક્ષેપ કર્યાે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુરોપ અને રશિયાની ભાગીદારી માત્ર ઊર્જા ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. ફર્ટિલાઈઝર, ખનીજ પેદાશો, કેમિકલ, સ્ટીલ, મશીનરી અને ટ્રાન્સપોર્ટ સાધનોમાં બંને દેશની ભાગીદારી છે. યુએસના કિસ્સામાં પણ રશિયામાંથી યુરેનિયમની જંગી આયાત કરાય છે, જેનો ઉપયોગ અમેરિકાના પરમાણુ ઉદ્યોગમાં થાય છે.

રશિયા પાસેથી ખરેલીદેલા પેલેડિયમનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક વ્હિકલમાં અને ફર્ટિલાઈઝરનો ઉપયોગ કેમિકલમાં થાય છે. યુરોપ અને અમેરિકા બંને માટે રશિયા ટ્રેડ પાર્ટનર છે ત્યારે ભારતને અકારણ ટાર્ગેટ કરાઈ રહ્યું છે. અન્ય મોટા અર્થતંત્રોની જેમ ભારત પણ દેશહિતમાં અને આર્થિક સલામતી માટે જરૂરી પગલાં લેશે.ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ભારત પર ટેરિફમાં ભારે વૃદ્ધિની ધમકી પર કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યાે છે.

જયરામ રમેશે વડાપ્રધાન મોદી ટ્રમ્પને તેમના જૂના મિત્ર ગણાવતાં હતા તે વખતના તેમના જૂના નિવેદન યાદ અપાવ્યા હતા. તેમણે કહ્યું કે વર્ષાેથી વડાપ્રધાન દાવો કરી રહ્યા છે કે ટ્રમ્પ અને તેમની વચ્ચે ખાસ સંબંધ છે. પરંતુ આ મિત્રતા હવે ખૂબ મોંઘી સાબિત થઈ રહી છે. વિદેશ મંત્રાલયે હવે નિવેદન જાહેર કરીને કહ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકાની સાથે આપણા સંબંધ બગડી ગયા છે. આજે ચીન, અમેરિકા અને પાકિસ્તાન આપણા માટે પડકાર બની ગયા છે. એક લોકપ્રિય ગીત છે ‘દોસ્ત દોસ્ત ના રહા.’ વડાપ્રધાનને પણ ગીત જરૂર યાદ આવતું હશે. પરંતુ હવે તેમણે ‘દોસ્ત દોસ્ત ના રહા, ટ્રમ્પ યાર હમે તેરા એતબાર ના રહા’ ગીત ગાવવું જોઈએ.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.