પોલીસ મથકમાં દાખલો લેવા આવેલા યુવક અને યુવતીએ મહિલા કોન્સ્ટેબલને માર માર્યાે

પ્રતિકાત્મક
આ મામલે મહિલા કોન્સ્ટેબલે બન્ને સામે ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે તેમની ધરપકડ કરી છે
અમદાવાદ , એરપોર્ટ પોલીસ મથકમાં દાખલો લેવા આવેલા યુવક-યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો કર્યાે કરી ગાળો ભાંડી હતી. બન્નેએ મહિલા કોન્સ્ટેબલને માર માર્યાે હતો. આ મામલે મહિલા કોન્સ્ટેબલે બન્ને સામે ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે તેમની ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે લીલાબહેન વસરામભાઇ ફરજ બજાવે છે.
તેમનું કામ મિસલેનિઅસ (પ્રકીર્ણ) ટેબલ પર હોય છે. આજે સવારે લીલાબહેન ફરજ પર હાજર હતા ત્યારે બપોરે ૧૨ના સુમારે હીમાક્ષીબહેન સુરેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ. ૨૨, રહે. કલોલ) અને ઓમ સંજયકુમાર શ્રીવાસ્તવ (ઉં.વ.૨૩, રહે. કલોલ) આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારો એરપોર્ટ એન્ટ્રી પાસ ખોવાઇ ગયો છે. તેની એન્ટ્રી અમોએ ગઇકાલે કરાવી હતી. તેથી તેનો દાખલો અમારે જોઇએ છે.
તેથી લીલાબહેને બન્નેને થોડી વાર બેસવાનું કહેતા હતા અને તેઓ પોતાનું કામ કરવા લાગ્યા હતા ત્યારે બન્ને ઉશ્કેરાઇ ગયા હતા અને ગુસ્સો કરી કહેવા લાગ્યા હતા કે, તમે કેમ બેસવાનું કહો છો અમે બધા કાયદા જાણીએ છીએ. તમને નોકરીમાંથી કઢાવી દઇશું. અમારે મોડું થાય છે અત્યારે જ અમને અમારો દાખલો આપો. તેથી લીલાબહેને જણાવ્યું હતું કે, હાલ મારા હાથ પર જે કામ છે તે પૂરું કરી પછી તમને દાખલો બનાવી આપું છે. આટલું કહેતા બન્ને ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલી લીલાબહેન પાસે આવી ગયા હતા.
લીલાબહેને ગાળો ન બોલવા કહેતા બન્નેએ ઝપાઝપી કરી હતી અને લીલાબહેનને યુવતીએ કપાળે નખ મારી દેતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું. સાથે આવેલા યુવકે પણ લીલાબહેનને માર માર્યાે હતો. બૂમાબૂમ થતા અન્ય પોલીસ કર્મચારીઓ આવી ગયા હતા અને બન્નેને ઝડપી લીધા હતા. આ મામલે લીલાબહેને હીમાક્ષી સુરેન્દ્રસિંહ વાઘેલા અને ઓમ સંજયકુમાર શ્રીવાસ્તવ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે.ss1