પોલીસ તરીકે ઓળખ આપી યુવતીના છ લાખના સોનાના દાગીના લૂંટી શખ્સ પલાયન

આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે
અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી યુવતીને પોલીસ તરીકે ઓળખ આપી અજાણી જગ્યાએ લઇ ગયા બાદ શખ્સે ૬ લાખના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ તે ત્યાંથી પલાયન થઇ ગયો હતો. આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.
શહેરના સરદારનગર વિસ્તારમાં ૨૯ વર્ષિય મોના(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે) રહે છે. મોના મૂળ જોધપુરની છે અને અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવેલી છે. ૨ ઓગસ્ટના રોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ મોના ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં જમવા માટે ગઇ ત્યારે એક બાઇક પર અજાણ્યો શખ્સ તેનો પીછો કરી રહ્યો હોવાનો અહેસાસ થયો હતો.
જમ્યા બાદ તે હોટલ બહારથી રિક્ષામાં બેસી પોતાના ઘર તરફ જવા લાગી ત્યારે રસ્તામાં શખ્સે રિક્ષા અટકાવી હતી અને જણાવ્યું હતું કે, હું પોલીસમાં છું અને તું ખોટા ધંધા કરે છે એટલે તારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. ત્યારબાદ તેણે મોનાને બાઇક પર બેસવાનું કહેતા તે ગભરાઇ હતી, પરંતુ શખ્સે ગુસ્સો કરી પોલીસ તરીકે ઓળખ આપતા મોના બાઇક પર બેસી ગઇ હતી.
ત્યારબાદ તે અજાણી જગ્યાએ મોનાને લઇ ગયો હતો અને કહ્યું હતું કે, તે પહેરેલા દાગીના મને આપી દે. ત્યારે મોના ગભરાઇ ગઇ હોવાથી ૨૨ ગ્રામની બે બંગડી, વીંટી, સોનાની ચેઇન સહિતના દાગીના પડાવી લીધા હતા. ત્યારબાદ આ શખ્સ પલાયન થઇ ગયો હતો. આ અંગે મોનાએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ss1