Western Times News

Gujarati News

જબલપુરમાં ૧૦૦ હેક્ટર વિસ્તારમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ

મધ્યપ્રદેશના જબલપુરમાં જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા જીએસઆઇની ટીમ દ્વારા આ વિસ્તારમાં લીધેલા સેમ્પલનો કેમિકલ ટેસ્ટ કરાયો હતો

જબલપુર, મધ્ય પ્રદેશના જબલપુરમાં આશરે ૧૦૦ હેક્ટરમાં સોનાનો ભંડાર હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ વિસ્તારમાં લાખો ટન સોનું મળી શકે છે. નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની જમીનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વિસ્તારમાં ન માત્ર સોનું સાથે જ તાંબુ અને અન્ય મૂલ્યવાન ધાતુ પણ હશે. જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા જીએસઆઇની ટીમ દ્વારા આ વિસ્તારમાં લીધેલા સેમ્પલનો કેમિકલ ટેસ્ટ કરાયો હતો, જેમાં સોનું, કોપર, અન્ય મૂલ્યવાન મિનરલ્સના અંશો મળ્યા હતા.

તાજેતરના વર્ષાેમાં મધ્ય ભારતમાં આ સૌથી મહત્વપૂર્ણ મિનરલ શોધ માનવામાં આવે છે. જોકે એવુ નથી કે મધ્ય પ્રદેશમાંથી પ્રથમ વખત સોનું મળ્યું હોય. થોડા વર્ષાે પહેલા પાડોશી જિલ્લા કટનીમાં પણ સોનાનો ભંડાર મળી આવ્યો હતો. જબલપુર અને કટની બન્ને જિલ્લાઓમાં ધાતુના ભંડાર માટે જાણિતા છે. અહીંની ધાતુને માત્ર ભારતના અન્ય રાજ્યો જ નહીં ચીન અને અન્ય દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે.

અહીંના નાની મોટી મળી કુલ ૪૨ જેટલી ખાણ આવેલી છે. જ્યાં અવાર નવાર ખોદકામ થતું રહે છે. જબલપુરમાં જ્યાં સોનું હોવાની શક્યતાઓ છે ત્યાં હાલ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.૧૦૦ હેક્ટરના વિસ્તારમાં સોનું હોવાનું અનુમાન જો સાચુ ઠરે તો માત્ર જબલપુર જ નહીં મધ્ય પ્રદેશનો વિકાસ પણ વધશે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.