‘વિશ્વ સંસ્કૃત દિન’ની ઉજવણી અંતર્ગત અમદાવાદમાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ

સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ અને નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રાચીન સભ્યતા, વિરાસત અને ભવ્ય વારસાનું સંવર્ધન થઈ રહ્યું છે :- સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલિવાલ
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
‘વિશ્વ સંસ્કૃત દિન’ની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલિવાલ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કૃત ગૌરવ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ભવ્ય વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક વેશભૂષા સાથે સામેલ થયા હતા.
પ્રભાત ચોકથી ઉમિયા હોસ્પિટલ સુધી યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થી બેન્ડ, લેઝીમ, ડંબેલ્સ, સંસ્કૃત ભાષાનું ગૌરવ અને વારસો દર્શાવતી વિવિધ ઝાંખી, બેનર્સ અને રથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલિવાલે સૌને સંસ્કૃત સપ્તાહની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણે સૌ ભારતીય છીએ, એટલે આપણામાં સંસ્કૃત ભાષા વણાયેલી જ છે. દેશની ઘણી ભાષાઓ સંસ્કૃતમાંથી આવી છે. સંસ્કૃત ઘણી ભાષાઓની જનની છે. સંસ્કૃત ભાષા વિશ્વમાં જ્ઞાન અને માર્ગદર્શનનો આધાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રાચીન સભ્યતા, વિરાસત અને ભવ્ય વારસાના સંવર્ધન માટે સતત કામગીરી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પણ અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો અને પ્રચાર પ્રસાર કાર્યક્રમો થકી નાગરિકોને સંસ્કૃત ભાષા સાથે જોડવાનું કાર્ય કરી રહ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી (અમદાવાદ શહેર) ડો. રોહિત ચૌધરીએ સ્વાગત પ્રવચન કરતાં સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન તથા ભાષાનું ગૌરવ વધારવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા સંસ્કૃત ગૌરવ યાત્રા જેવા કાર્યક્રમો ઘરે ઘરે સંસ્કૃત ભાષાને પહોચાડવામાં મહત્વનો ભાગ ભજવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ‘વિશ્વ સંસ્કૃત દિન’ની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સમગ્ર રાજ્યમાં તા.૬થી ૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થઈ રહી છે.
સંસ્કૃત ગૌરવ યાત્રામાં શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શ્રી મનુભાઈ રાવલ, અખિલ ભારતીય કિસાન સંઘના પ્રકાશ નારાયણ તિવારી, ડાયટ પ્રાચાર્ય શ્રી સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલી સંસ્થાના પ્રતિનિધિઓ, શહેર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, સંસ્કૃત પ્રેમીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.