આણંદમાં મચ્છરોના પોરા મળતા ૧૮ સંસ્થાઓને રૂ. ૮૭ હજાર દંડ

મનપા વિસ્તારમાં ૪૨ ટીમોનો ૫૮,૧૨૨ ઘરોમાં સર્વે
ડેન્ગ્યૂ અને મેલેરિયાના નોટિફિકેશનની અમલવારી માટે ૨૦૦ વ્યક્તિઓને નોટિસ ફટકારાઈ
આણંદ, કરમસદ આણંદ મનપા વિસ્તારમાં જુલાઈ માસમાં ૪૨ ટીમો દ્વારા ૫૮,૧૨૨ ઘરોનો સર્વે કરાયો હતો. ત્યારે ૧૮ સંસ્થાઓમાં મચ્છરના પોરા મળતા રૂ. ૮૭ હજારનો દંડ આરોગ્ય વિભાગે ફટકાર્યાે હતો. ડેન્ગ્યૂ અને મેલેરિયા નોટિફિકેશનની અમલવારી માટે ૨૦૦ વ્યક્તિને નોટિસ અપાઈ હતી. કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૨ જેટલી ટીમો બનાવીને આરોગ્યલક્ષી વાહકજન્ય અટકાયત કામગીરી શરૂ છે. ટીમો દ્વારા ૫૮,૧૨૨ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ૪,૫૫૬ જગ્યાઓ ઉપર મેલેરિયાના પોરા જોવા મળ્યા છે.
ડેન્ગ્યુ અને મેલેરિયા નોટિફિકેશન એક્ટની અમલવારી સંદર્ભે ૨૦૦ જેટલા વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત મનપા વિસ્તારની ૧૫ હોટલો, ૧૦ હોસ્પિટલો, ૨૦ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા- કોલેજો, ૩૦ બાંધકામ સાઈટ અને કોમશયલ કોમ્પ્લેક્સ, ૨૦ દુકાનો અને ૧૦ મોલ, થિયેટર અને જાહેર સંસ્થાઓ ખાતે મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી છે.
જુલાઈ માસ દરમિયાન જે સંસ્થાઓ ખાતેથી મોટા પ્રમાણમાં મચ્છરના પોરા જોવા મળ્યા છે, તેવી સંસ્થાઓ પાસેથી રૂપિયા ૮૭,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે ૨૦૨૫ દરમિયાન મનપા વિસ્તારમાં આવેલી સંસ્થાઓ, હોસ્પિટલ, હોટલ, દુકાન, મોલ, થિયેટર, બાંધકામ સાઈટ ખાતે આકસ્મિક તપાસ કરતા મચ્છરના પોરા મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા, તેવી સંસ્થાઓ ખાતેથી રૂપિયા ૩ લાખ ઉપરાંતના દંડની વસુલાત કરવામાં આવી છે.ss1