સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ: નટરાજ સોમનાથના ચરણોમાં કલા અર્પણ

ભારતીય ગૌરવના પુનઃ સ્થાપક પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ તીર્થનું સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાન
સોમનાથ, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ, બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. વિશેષ રૂપે શ્રાવણ ૨૦૨૫માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન, જપ, તપ અને પાઠ કરી મહાદેવને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે ત્યારે આ સ્થળે દેશભરમાંથી આવનાર કલાકારો પોતાની નૃત્ય આરાધના પ્રસ્તુત કરી રહ્યા છે. આ સુભગ સમન્વયથી સોમનાથમાં સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.
પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘ દ્રષ્ટિથી સોમનાથની સાંસ્કૃતિક પુનઃ સ્થાપના:
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં સદીઓ પહેલાં હજારો નર્તક-નર્તકીઓ દ્વારા પોતાનું નૃત્ય પ્રસ્તુત કરીને કલા અને કલ્યાણના દેવતા નટરાજ સોમનાથ મહાદેવની કલા આરાધના કરવામાં આવતી હતી તે અનેક ગ્રંથો અને લેખોમાં પ્રાપ્ત થાય છે. આ પ્રાચીન કલા આરાધનાની દૈવીય પરંપરા અને ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલ શિવ તત્વને પુનઃઉજાગર કરવાના દિવ્ય સંકલ્પને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “વંદે સોમનાથ કલા મહોત્સવ”ના અભૂતપૂર્વ આયોજનના સ્વરૂપમાં મૂર્ત સ્વરૂપ મળ્યું છે.
શ્રેણીબદ્ધ આયોજનો:
શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત ત્રણ વિશેષ મંચ પર ગાયન, વાદન અને રોશની સાથે વિવિધ ભારતીય નૃત્ય શૈલીના નિપૂણ કલાકારો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભક્તિ અને કલાનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) અને ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગ સાથે આયોજિત આ મહોત્સવનું ધ્યેય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ ભારતના તીર્થો અને મંદિરોના આધ્યાત્મિક ઉપરાંત સાંસ્કૃતિક ગૌરવને પુન: સ્થાપિત કરવાનો છે.
પ્રથમ ચરણ:
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના પ્રથમ ચરણમાં, શ્રી પવિત્રા ભટ્ટ અને તેમની ટીમે ભરતનાટ્યમની મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિ આપી હતી. આ સિવાય શ્રી કદમ પરીખ અને વૃંદે કથક નૃત્ય દ્વારા દર્શકોને રોમાંચિત કરી મુક્યા હતા, જ્યારે નમ્રતા મેહતા અને સિદ્ધિ વાયકર દ્વારા પારંપરિક ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
દ્વિતીય ચરણ:
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના બીજા ચરણમાં, શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ તેમજ સમુદ્ર દર્શન વોકવે એમ બે દિવ્ય સ્થાનો ખાતે પુનાથી આવેલ નાદરૂપ વૃંદ દ્વારા કથક નૃત્ય, શ્રીમતિ રેમાં શ્રીકાંત (ECPA)ફાઉન્ડેશન વડોદરા અને તેમના શિષ્યો દ્વારા ભરત નાટ્યમ અને સોનલ શાહ અને તેમના શિષ્યો દ્વારા હુડો, રાહડો, સહિત પારંપરિક ગુજરાતી નૃત્યો, ગાર્ગી બ્યાબર્તી અને દેવાંશી દેવગૌરી તેમજ શ્રીમતી દેવિકા દેવેન્દ્ર એસ મંગલા મુખીએ કથક નૃત્ય પ્રસ્તુત કરતા દર્શકો મંત્રમુગ્ધ થયા હતા.
તૃતીય ચરણ:
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના ત્રીજા ચરણમાં સોમનાથના ત્રણ અદ્ભુત દ્રશ્ય સ્થાનો પર એકસાથે યોજવામાં આવ્યા હતા. જ્યાં સોમનાથ મંદિર સમીપ સાગરદર્શન અપ્રોચ એરિયા, સમુદ્ર દર્શન પથ પ્રોમેનેડ વોક વે અને સોમનાથ મંદિરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે અંજલિ મેમોરીયલ કમિટી દ્વારા ભરતનાટ્યમ, મુંબઈના આનંદલહારી સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા શિવ આરાધના, કોલકાતાના ધ્રુબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ ફાઉન્ડેશન દ્વારા પારંપરિક શૈલીમાં ભરતનાટ્યમ અને પૂણેથી આવેલ ઈશાવસ્ય ગુરુકુલમ દ્વારા કથક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
ચોથું ચરણ:
કાર્યક્રમના ચોથા ચરણમાં તા. ૦૪ ઓગસ્ટના રોજ ઉદયપુર રાજસ્થાનથી શ્રી કૃષ્ણેન્દુ સહા અને નૃત્યોર્મી સ્કૂલ દ્વારા ઓડિસી નૃત્ય, પુણે મહારાષ્ટ્રના કલાવર્ધિની ડાન્સ કંપની દ્વારા ભરતનાટ્યમ, અમદાવાદના શ્રીમતી સ્મિતા શાસ્ત્રી નૃત્ય વૃંદ દ્વારા કુચીપુડી અને દિલ્લીથી શ્રીમતી લીના માલાકાર વિજ અને ટીમ દ્વારા કથક નૃત્યો પ્રસ્તુત કરી શિવ આરાધના કરવામાં આવી હતી.
આગામી સમયમાં યોજાનાર પાંચમું અને છઠ્ઠો ચરણ :
પાંચમું ચરણ તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાશે, જેમાં દિલ્હીથી શ્રીમતી સુબ્રતા પંડા અને રસા સ્કૂલ ઓફ ઓડિસી ડાન્સ દ્વારા ઓડિસી નૃત્ય, વડોદરાની તત્વ અકાદમીની શ્રીમતી દ્યુતિ પંડ્યા દ્વારા કથક નૃત્ય અને અમદાવાદના અપલ શાહના એસ.પી.એ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ દ્વારા પરંપરાગત ટિપ્પણી નૃત્યો રજૂ કરીને શ્રી સોમનાથ મહાદેવની ભક્તિમાં નૃત્યાર્પણ કરવામાં આવશે.
જ્યારે છઠ્ઠું ચરણ શ્રાવણના અંતિમ સોમવારે તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવશે. જેમાં દિલ્હીથી શ્રીમતી લિપ્સા સતપથિ અને તેમની ટીમ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ, દિલ્હીથી કલામંડલમ વિશ્નુપ્રિયા અને તેમની ટીમ દ્વારા દુર્લભ રીતે જોવા મળતું મોહિનિયાટ્ટમ, વડોદરાની કલ્પ સર્જનિ દ્વારા કથક, અમદાવાદની નૃત્યમ અકાદમી દ્વારા ભરતનાટ્યમ અને કદમ નૃત્ય કેન્દ્ર દ્વારા કથક નૃત્યના અત્યંત કલાત્મક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.
સમાપન:
“વંદે સોમનાથ” માત્ર એક કલા મહોત્સવ નથી; તે સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાની પુનઃપ્રતિષ્ઠા છે. ભારતીય સંસ્કૃતિ અને ગૌરવના પુનઃ સ્થાપક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી સોમનાથ તીર્થ ફક્ત ધાર્મિક જ નહીં,પરંતુ સંસ્કૃતિ ગૌરવમય વારસાનું કેન્દ્ર બની રહ્યું છે – જ્યાં ભક્તિ, ભવ્ય વારસો અને ભારતીયતા એકસાથે અવતરિત થાય છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ અને IGNCA આયોજિત આ કાર્યક્રમોમાં એવી લાગણી અનુભવી શકાય છે કે જાણે મહારાણી ચૌલાદેવીના સમયમાં જેમ સોમનાથમાં હજારો નૃત્યાંગનાઓ દ્વારા મહાદેવની આરાધના થતી, તે સોમનાથનો કલાત્મક સ્વર્ણિમ સતયુગ આજે ફરી સ્થાપિત થઈ ચૂક્યો છે.