7 ઓગસ્ટ, નેશનલ હેન્ડલૂમ ડે: ગુજરાતની 246થી વધુ હેન્ડલૂમ કો.ઓપ. સોસાયટીઓએ ₹290 કરોડથી વધુની હેન્ડલૂમ પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું

ગુજરાત સરકારની પેકેજ યોજના હેઠળ હેન્ડલૂમ સહકારી મંડળીઓને મળે છે હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય, મહિલા સહકારી મંડળીઓને વેચાણ પર 15% વળતર સહાય
હાથશાળના વણકરોને ટેકો આપવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી છે
Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના હાથશાળ વણકરોની કારીગરી અને તેમના સમૃદ્ધ વારસાને ટેકો આપીને તેમનું આર્થિક ઉત્થાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. હેન્ડલૂમ સોસાયટીઓના ઉત્થાન માટેના સતત પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પેકેજ સ્કીમ અમલમાં છે.
આ પહેલ સહકારી કાયદા હેઠળ નોંધાયેલી ઔદ્યોગિક સહકારી મંડળીઓને ટેકો આપે છે, જે અંતર્ગત હેન્ડલૂમ પ્રોડક્ટ્સ એટલે કે હાથશાળ ઉત્પાદનોના વેચાણ પર વળતર સહાય આપવામાં આવે છે. વર્ષ 2024-25ની વાત કરીએ, તો આ યોજના હેઠળ રાજ્યની 246થી વધુ હેન્ડલૂમ કૉઓપરેટિવ સોસાયટીઓ (હાથશાળ સહકારી મંડળીઓ)એ લાભ મેળવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ₹290 કરોડથી વધુ મૂલ્યની હેન્ડલૂમ પ્રોડક્ટ્સનું વેચાણ થયું છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં હેન્ડલૂમ સેક્ટરનો સતત વિકાસ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાથશાળ વણકરોનું સન્માન કરવા અને ભારતમાં હાથશાળ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ 2015માં 7 ઓગસ્ટના દિવસને ‘નેશનલ હેન્ડલૂમ ડે‘ એટલે કે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ દિવસ હાથવણાટના સાંસ્કૃતિક, પરંપરાગત અને આર્થિક મહત્વને ઉજાગર કરે છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે, ‘સરકાર તેના વણકરોને વિશ્વનું સૌથી મોટું બજાર પૂરું પાડવા માટે સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે.‘
પેકેજ સ્કીમ હેઠળ હેન્ડલૂમ સોસાયટીઓને હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણ પર મળે છે વળતર સહાય
તહેવારો દરમિયાન હાથશાળ પર ઉત્પાદિત થતી ચીજવસ્તુઓનું વેચાણ વધારવા તેમજ તેમને બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા રિબેટ (પેકેજ) સ્કીમ લાગુ કરવામાં આવી છે. હાથશાળ ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા અને સુલભતા વધારવા માટે, આ યોજના હેઠળ ગુજરાત સરકાર હાથશાળ સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવતા વેચાણ પર વળતર સહાય આપે છે.
હાથશાળ સહકારી મંડળીઓને હાથશાળના ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય મળે છે, જ્યારે મહિલા સહકારી મંડળીઓને વેચાણ પર 15% વળતર સહાય મળે છે. આ ઉપરાંત, મહિલા સહકારી મંડળીઓ માટે વાર્ષિક 120 દિવસના સમયગાળા માટે વેચાણ પર 15% અને 20%ની વિશેષ વળતર સહાય આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આ પ્રયાસોના પરિણામે વર્ષ 2024-25માં 246થી વધુ હાથશાળ સહકારી મંડળીઓએ ₹290 કરોડથી વધુના હાથશાળ ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. આ વેચાણ પર રાજ્ય સરકાર દ્વારા આ સહકારી મંડળીઓને ₹73.82 કરોડની વેચાણ પર વળતર સહાય આપવામાં આવી છે, જે હાથશાળ વણકરોના ઉત્થાન માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
હાથશાળના વણકરોને ટેકો આપવા માટે ગુજરાત સરકારની પરિવર્તનકારી યોજનાઓ
ગુજરાત સરકારે હાથશાળ વણકરોને ટેકો આપવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા, બજાર સ્પર્ધાત્મકતા સુધારવા અને રોજગારની તકો ઊભી કરવા માટે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
હાથશાળની ટોચની સંસ્થાઓને જાહેરાત અને પ્રચાર માટે સહાય:
આ યોજના હેઠળ, રાજ્યની ટોચની હાથશાળ સંસ્થાઓ તેમજ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમને ગુજરાત રાજ્યમાં અને રાજ્ય બહાર પ્રદર્શનોમાં ભાગ લેવા તેમજ જાહેરાત અને પ્રચાર કરવા માટે સહાય આપવામાં આવે છે. ટોચની સંસ્થાઓને રાજ્યમાં પ્રદર્શનો માટે ₹70,000 સુધીની અને રાજ્ય બહાર પ્રદર્શનો આયોજિત કરવા માટે ₹1,50,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, જાહેરાત માટે વાર્ષિક ₹1,00,000 અને મેળા અને પ્રદર્શનોમાં ભાગ લેવા માટે ₹25,000ની વધારાની સહાય મળે છે. આ યોજના હાથશાળ ઉત્પાદનોને પ્રોત્સાહન આપે છે અને વણકરોના રોજગારને વેગ આપે છે.
મિલ ગેટ પ્રાઇસ સ્કીમ:
આ યોજના સુનિશ્ચિત કરે છે કે વણકરો ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે, બજાર મૂલ્યમાં વધારો કરે અને વણકરો માટે વધુ રોજગારીનું સર્જન થાય. આ યોજના હેઠળ, રાજ્યના માન્ય ડેપો મારફતે ખરીદવામાં આવેલા ગુણવત્તાયુક્ત યાર્ન (સૂતર) પર 15% સબસીડી આપવામાં આવે છે.
બજારમાં સ્પર્ધાત્મકતા માટે તાલીમ અને આધુનિકીકરણ
રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા વણકરોના કૌશલ્ય વિકાસ માટે વણકરોને ટૂંકા અને લાંબા ગાળાની તાલીમ આપવામાં આવે છે, જેમાં પ્રતિ તાલીમાર્થી ₹4500 પ્રતિ માસ સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. મૂલ્યવર્ધિત ઉત્પાદનો, ડિઝાઇન, અને પ્રોટોટાઇપ વિકસિત કરવા માટે નિગમ દ્વારા વીવર્સ સર્વિસ સેન્ટર, NID અને NIFT સાથે સહયોગ કરવામાં આવે છે, જેથી હાથશાળ ઉત્પાદનો મિલ અને પાવરલૂમના ઉત્પાદનો સામેની સ્પર્ધામાં બજારમાં ટકી રહે.
આ ઉપરાંત, હાથશાળ ઉત્પાદનોની દ્રશ્યતા વધારવા માટે વ્યાપક માર્કેટિંગ પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે, જેમાં હોર્ડિંગ્સ, કિઓસ્ક, વૉલ પેઇન્ટિંગ્સ, રોડ શૉ , ફેશન શૉ વગેરે દ્વારા પ્રચાર-પ્રસારનો સમાવેશ થાય છે. હાથશાળના ઉત્પાદનોનું માર્કેટિંગ ગુજરાતની અંદર અને બહાર ‘ગરવી-ગુર્જરી‘ બ્રાન્ડ દ્વારા ઈ-કોમર્સ અને એમ્પોરિયા ચેઇન દ્વારા કરવામાં આવે છે. વધુમાં, ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ (iNDEXT-c) દ્વારા આયોજિત વિવિધ પ્રદર્શનો અને એક્સ્પો દ્વારા હાથશાળ ઉત્પાદનોની પહોંચને વધુ વિસ્તૃત કરવામાં આવે છે.